સાર્વત્રિક લેવાલીએ શેરોમાં આગઝરતી તેજી

મુંબઇઃ વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારોમાં તેજી થઈ હતી. કોરોનાના નવા કેસમાં પ્રમાણમાં ઘટાડો થયો હતો અને અન્ય દેશો કરતાં દેશમાં લોકડાઉનને લીધે ઘણી સારી સ્થિતિ હોવાથી શેરબજારમાં તેજી થઈ હતી.  છેલ્લાં 10 વર્ષ દરમ્યાન બજારમાં સૌથી મોટી તેજી થઈ હતી. જેથી સેશનને અંતે સેન્સેક્સ 2,476 પોઇન્ટ ઊછળીને 30,000ને પાર થઈને 30,067.21ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 702 પોઇન્ટની તેજી સાથે 8,785.90ના સ્તરે બંધ થયો હતો. આ તેજીને લીધે એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં આઠ લાખ કરોડનો વધારો થયો હતો. અમેરિકી શેરબજારોની તેજીને પગલે શેરબજારમાં તેજી થઈ હતી. આ ઉપરાંત જાપાને રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેની બજાર પર સકારાત્મક અસર પડી હતી.

લોકડાઉનમાં રાહત

સરકાર લોકડાઉનમાં તબક્કાવાર રાહત આપશે. જેનાથી આર્થિક કામકાજ ફરી પાટે ચઢશે. જેના લીધે રોકાણકારો ભારે લેવાલી કરી હતી. આ લોકડાઉન જે વિસ્તારમાં સોથી ઓછું જોખમ છે ત્યાં ખોલવામાં આવશે, એવી શક્યતા છે.

દેશમાં 1.3 અબજ ડોલરનું રોકાણ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય શેરબજારમાં આશરે 1.3 અબજ (રૂ. 9,900 કરોડ) ડોલરનું મૂડીકાણ કરે એવી સંભાવના છે. દેશમાં FPI મૂડીરોકાણના ક્ષેત્રને સીધા વિદેશી રોકાણ સાથે જોડવામાં આવ્યું છે. જેનાથી વિદેશી ફંડોની વેચવાલી અટકશે.

ભારતે 24 દવાઓ પરથી પ્રતિબંધ દૂર કર્યા

ભારતે 24 દવાઓ પરના નિકાસ પર મૂકેલા પ્રતિબંધો દૂર કર્યા છે. સરકારે ગયા મહિને આ પ્રતિબંધ લગાવ્યા હતા. જોકે પેરાસિટામોલ પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ પ્રતિબંધથી ફાર્મા ઇન્ડસ્ટ્રીને 10 ટકા નિકાસ ઘટી ગઈ છે.

હેવી વેઇટ શેરો 10થી 25 ટકા ઊછળ્યા નિફ્ટી 50ના અને સેન્સેક્સના તમામ શેરો તેજીમાં રહ્યા હતા. નિફ્ટીના તમામ ક્ષેત્ર તેજી સાથે બંધ રહ્યા હતા.  નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 11 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 10.5 ટકા વધ્યા હતા. ઓટો ઇન્ડેક્સ 9.5 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 8.5 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ આઠ ટકા અને આઇટી ઇન્ડેક્સ 7.5 ટકા વધ્યા હતા. બીએસઈ પર 1,841 શેરોમાં તેજી થઈ હતી અને 540 શેરો નરમ બંધ રહ્યા હતા.

નિફ્ટી 50 ઇન્ડેક્સ પર ઇન્ડસઇન્ડ બેન્ક, 25 ટકા, એક્સિસ બેન્ક 20 ટકા, ગ્રાસિમ, ડો. રેડ્ડીઝ લેબ, એચયુએલ, એમ એન્ડ એમ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિન્ડાલ્કો, મારુતિ અને ઝી એન્ટરટેઇનમેન્ટ 12થી 15 ટકા વધ્યા હતા.

રિલાયન્સ, એચસીએલ ટેક્નોલોજીઝ, હીરો મોટોકોર્પ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજા ઓટો, નેસ્લે ઇન્ડિયા, ભારતી એરટેલ, સન ફાર્મા અને એચડીએફસી બેન્ક 10 ટકાથી વધુ ઊછળ્યા હતા.