દૂધી ઢોકળીનું શાક

દૂધી ન ભાવતી હોય તો  દૂધી ઢોકળીનું શાક બનાવીને દૂધીનો શાકમાં ઉપયોગ કરી શકાય છે.

સામગ્રીઃ ઢોકળી માટેઃ

  • દૂધી 250 ગ્રા.
  • ગાજર 1
  • કોબી 100 ગ્રા.
  • ધોઈને સમારેલી પાલક 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • 2-3 ચપટી હીંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • હળદર 2-3 ચપટી
  • તેલ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • ટામેટાં 4
  • આમચૂર પાઉડર
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • આખા લાલ મરચાં 2
  • કળીપત્તાના પાન 6-7
  • તેલ વઘાર માટે

 

રીતઃ દૂધી, ગાજર, કોબીને અલગ અલગ ખમણીને એમાંનું પાણી નિચોવીને એક વાટકીમાં કાઢીને બાજુએ રાખવું.

શાકની ખમણેલી છીણ એક મોટા વાસણમાં લઈ તેમાં સમારેલી પાલક તેમજ કોથમીર લો. હવે તેમાં 2-3 ચપટી હીંગ, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, 1 ટી.સ્પૂન તેલ તેમજ 2-3 ચપટી હળદર મેળવીને મિશ્રણનો લોટ બાંધો. જરૂર મુજબ તેમાં પાણી ઉમેરો. ઢોકળીનો લોટ બંધાઈ જાય એટલે તેમાંથી અડધા ઈંચના નાના ચપટા ગોળા વાળી લો.

આ ગોળાને મુઠીયાની જેમ 10 મિનિટ માટે બાફવા મૂકો.

વઘાર કરવા માટે આદુ-મરચાં-લસણની પેસ્ટ સાથે કોથમીર પણ વાટીને પેસ્ટ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી રાઈ તતડે એટલે જીરૂનો વઘાર કરી, લાલ મરચાં બે ટુકડામાં તોડીને વઘારી લો. ત્યારબાદ હીંગ ઉમેરીને વાટેલાં આદુ-મરચાં-લસણ-કોથમીર એકાદ મિનિટ સાંતળી લીધા બાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ તેમજ થોડો ગરમ મસાલો સાંતળો. હવે ટામેટાંને ખમણીને ઉમેરી, કઢાઈ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ આ વઘારમાં ખમણેલાં શાકમાંથી નિતારેલું પાણી તેમાં મેળવી દો. એકાદ કપ પાણી બીજું ઉમેરી દીધા બાદ દૂધીની બાફેલી ઢોકળી તેમાં મેળવીને ગેસની ધીમી આચે 10-15 મિનિટ શાક ચઢવા દો.

ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ગરમાગરમ રોટલી સાથે પીરસો.