ITની આગેવાની શેરોમાં વેચવાલીઃ બજાર એક મહિનાના નીચલા સ્તરે

અમદાવાદઃ એશિયન બજારોથી મળેલા નબળા સંકેતો અને IT શેરોની આગેવાની હેઠળ શેરોમાં ભારે નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકા કરતાં વધુ તૂટ્યા હતા. બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારાના નિર્ણય પણ શેરોમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી 21,900ની નીચે પહોંચ્યો હતો, જે એક મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. રોકાણકારોના આશરે રૂ. 4.85 લાખ કરોડ ડૂબ્યા હતા.

અમેરિકામાં ફુગાવોનો દર અંદાજ કરતાં વધુ આવતાં અને US ફેડ તરફથી વ્યાજદરોમાં કાપ મૂકવાનું વિલંબમાં પડતાં શેરોમાં વેચવાલી ફરી વળી હતી. વધારામાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ ધીમો વધારો થતાં સેન્ટિમેન્ટ નરમાઈતરફી થયું હતું.

મંગળવારે સેન્સેક્સ 736 પોઇન્ટ તૂટીને 72,012 બંધ થયો હતો. નિફ્ટી 238 પોઇન્ટ તૂટીને 21,817ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્કમાં 191 પોઇન્ટ તૂટ્યો હતો, જે પછી એ 46,389ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 575 પોઇન્ટ તૂટીને 45,926ના સ્તરે બંધ થયો હતો.

TCSમાં રૂ. 9000 કરોડના બ્લોક ડીલ પછી બે વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં ક્રૂડ ઓઇલમાં તેજીને કારણે ત્રણ-ચાર ટકાનો ઘટાડો થયો હતો.

એક્સચેન્જ પર કુલ 3928 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1246 શેરો તેજી સાથે બંધ થયા હતા. આ સિવાય 95 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 66 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.