નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા કેસોની અસર હવે કેન્દ્ર સરકારની યોજનાઓ પર પડવા લાગી છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં કોઈ પણ નવી સરકારી યોજનાની શરૂઆત નહીં કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે બધાં મંત્રાલયોને નવી યોજનાઓને ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ નહીં કરવા માટે નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન પર કોઈ પણ પ્રકારની મનાઈ ફરમાવી નથી.
લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈ પણ સરકારી યોજનાને આ વર્ષે મંજૂરી નહીં આપવામાં આવે. પહેલેથી જ મંજૂર થયેલી નવી યોજનાઓને 31 માર્ચ, 2021 અથવા નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોરોના વાઇરસને કારણે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. કેટલાંય ક્ષેત્રોમાં લાંબા સમય સુધી કામ બંધ રહ્યું છે, જેને લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
20 લાખ કરોડના પેકેજનું એલાન
દેશના અર્થતંત્રને ફરીથી પાટે ચઢાવવા માટે અને કોરોનાની માર ખમી રહેલા મજૂરો, ગરીબો અને અન્ય લોકો માટે સરકારે પાછલા દિવસોમાં 20 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું હતું. દેશના કુલ જીડીપીના 10 ટકા પેકેજમાં કેટલાય વર્ગો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.
કૃષિ ક્ષેત્રે 2.5 ટકા વિકાસની સંભાવના
કોરોના સંકટને લીધે દેશના દરેક ક્ષેત્રથી પ્રતિકૂળ સમાચાર આવી રહ્યા છે, એકમાત્ર કૃષિ ક્ષેત્ર એવું છે જ્યાંથી આશા બંધાયેલી છે. કોરોના વાઇરસ રોગચાળાથી ઊભા થયેલા સંકટમાં કૃષિ ક્ષેત્ર એકમાત્ર સકારાત્મક સંકેત આપતું ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 દરમ્યાન 2.5 ટકાના વિકાસની સંભાવના છે. લોકડાઉન છતાં દૂધના વેચાણ મહદંશે સ્થિર રહ્યું. દૂધની ખપતમાં 15-20 ટકાનું યોગદાન કરતા હોટલ અને રેસ્ટોરાં ક્ષેત્રથી પણ આશા છે કે લોકડાઉન હટ્યા પછી ધીમ-ધીમે એની માગમાં સુધારો થશે.
સરકારનું કહેવું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળ અત્યાર સુધી આશરે 42 કરોડ ગરીબોને 53,248 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવી છે.
સરકારે પહેલેથી એ નિર્ણય કરી ચૂકી છે કે જૂની યોજનાઓને પૂરી કર્યા પછી જ નવી યોજનાઓને શરૂ કરવામાં આવશે. હવે કોવિડ-19ને લીધે આ નિર્ણયનો સખતાઈથી અમલ કરવામાં આવશે.