પોતાને શિક્ષણ આપનાર સંસ્થા ‘IIT મુંબઈ’ને નંદન નીલેકણીએ રૂ. 315 કરોડનું દાન આપ્યું

મુંબઈઃ દેશની દિગ્ગજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સંસ્થાપક અને નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મુંબઈ (આઈઆઈટી-મુંબઈ) સંસ્થાને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. નીલેકણી રાષ્ટ્રીય ઓળખપત્ર અથવા યૂનિક આઈડેન્ટિટી કાર્ડ (આધાર કાર્ડ) યોજનાના સંસ્થાપક ચેરમેન છે.

નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. તે ઉપરાંત, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવા સંશોધન અને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં પ્રોત્સાહન પણ મળશે.

આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.