જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું મોદીનું આમંત્રણ

ટોક્યોઃ જાપાનના બે-દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં જાપાનના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને ભારતમાં મૂડીરોકાણ કરવાનું એમને આમંત્રણ આપ્યું હતું. મોદી પહેલાં NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો ઈન્દોને મળ્યા હતા. ભારતના દૂરસંચાર ક્ષેત્રમાં, ખાસ કરીને ચેન્નાઈ-આંદામાન અને નિકોબાર ટાપુઓ તથા કોચી-લક્ષદ્વીપ ટાપુઓ પરના પ્રોજેક્ટોમાં એનઈસી કંપનીના પ્રદાનની મોદીએ પ્રશંસા કરી હતી. ઈન્દોએ પણ ભારતમાં સ્માર્ટ સિટીઝ નિર્માણ જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણની તક હોવા વિશે કહ્યું હતું.

મોદી ત્યારબાદ સુઝૂકી મોટર કોર્પોરેશનના વરિષ્ઠ સલાહકાર ઓસામુ સુઝૂકીને મળ્યા હતા અને ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી નિર્માણ પ્લાન્ટની સ્થાપના કરવા સહિત વધારે મૂડીરોકાણની તકો વિશે ચર્ચા કરી હતી.

ભારતમાં સુઝૂકીના યોગદાન અને સહયોગની યાદ તાજી કરીને મોદીએ ભારતના ઓટોમોટિવ ઉદ્યોગમાં પરિવર્તન લાવવામાં સુઝૂકી મોટર્સ કંપનીએ ભજવેલી ભૂમિકાની સરાહના કરી હતી. ઓટોમોબાઈલ અને ઓટો સ્પેરપાર્ટ્સ ક્ષેત્રમાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ્સ સ્કીમ અંતર્ગત મંજૂરી મેળવનાર અરજદાર કંપનીઓમાં સુઝૂકી મોટર ગુજરાત પ્રા.લિ. અને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડનો પણ સમાવેશ થાય છે, એમ મોદીએ ખાસ ઉલ્લેખ કર્યો.

સુઝૂકીએ બાદમાં કહ્યું કે, ભારતમાં વડા પ્રધાન મોદીએ લીધેલા પરિવર્તનશીલ અને સુધારાવાદી પગલાંનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી અને તે ભારતને મોડલ લેન્ડસ્કેપમાં પરિવર્તિત કરશે. મોદીની આત્મનિર્ભર નીતિનું જાપાનના ઈન્વેસ્ટરો જોશપૂર્વક સમર્થન કરે છે.

મોદી ત્યારબાદ જાપાનની કેઝ્યુઅલ વેર ડિઝાઈનર, મેન્યૂફેક્ચરર અને રીટેલર કંપની યૂનિક્લોના સર્વેસર્વા તાદાશી યાનાઈ તથા સોફ્ટબેન્ક ગ્રુપના સ્થાપક માસાયોશી સોનને પણ મળ્યા હતા. યાનાઈએ ભારતના લોકોની ઉદ્યમશીલતાના જુસ્સાની સરાહના કરી હતી.