ઘટાડો પચાવી બજારમાં તેજીઃ સેન્સેક્સ 480 ઊછળ્યો

નવી દિલ્હીઃ સતત ત્રણ દિવસોના ઘટાડા પછી શેરબજાર તેજી સાથે બંધ થયાં હતાં. નિફ્ટી 19,500ની ઉપર બંધ થયો હતો. વૈશ્વિક માર્કેટમાં મળેલા મિશ્ર સંકેતોને પગલે IT કંપનીઓના શેરોમાં તેજીને પગલે સપ્તાહના અંતે BSE સેન્સેક્સ 481 પોઈન્ટ વધ્યો હતો. NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 135 પોઇન્ટ ઊછળીને બંધ થયો હતો. આ પહેલાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ઘટાડો થયો હતો. છેલ્લાં બે સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.8-1.8 ટકા તૂટ્યા હતા, જે 14 માર્ચ પછી સૌથી બે દિવસનો મોટો ઘટાડો હતો.

સ્થાનિક શેરબજારોમાં BSE સેન્સેક્સ 480.57 પોઇન્ટ વધીને 65,721.25ના મથાળે બંધ થયો હતો, ટ્રેડિંગ સેશનમં સેન્સેક્સે 65,799.27ની સપાટીએ પહોંચ્યો હતો અને નીચે 65,387.18 ગયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 135.35 પોઇન્ટ વધીને 19,517ની સપાટી બંધ થયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 19,538.85 અને 19,436.45ની રેન્જમાં રહ્યો હતો.

શેરબજારમાં બેન્ક, કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સ 0.5 ટકાન ઉછાળા સાથે બંધ થયો હતો. ફાર્મા અને IT ઇન્ડેક્સમાં એક-એક ટકા ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ઓટો અને પાવર ક્ષેત્રના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 304.04 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ગયા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 302.39 કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.65 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

સ્થાનિક શેરબજારમાં આશરે 2177 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 1296 શેરો ઘટ્યા હતા. આ સાથે 139 શેરોમાં કોઈ ફેરફાર નહોતા થયાય મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.6 ટકાનો વધારો થયો હતો.