જેટ એરવેઝ કામચલાઉ સમય માટે એની તમામ ફ્લાઈટ્સ કદાચ રદ કરશે

મુંબઈ – ખાનગી ઉડ્ડયન ક્ષેત્રની રૂ. 8000 કરોડના દેવામાં ડૂબી ગયેલી જેટ એરવેઝ હાલ તેના માત્ર 10 વિમાનો સાથે જ વિમાનસેવા ચલાવે છે. એ તેની તમામ ફ્લાઈટ્સ કામચલાઉ સમય માટે રદ કરે એવી સંભાવના છે.

ઝી ન્યૂઝના અહેવાલ અનુસાર, જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે આ એરલાઈનમાંથી ગયા મહિને રાજીનામું આપી દીધું હતું. એમની સાથે એમના પત્ની અનિતા ગોયલે પણ રાજનામું આપી દીધું છે.

જેટ એરવેઝમાં હિસ્સો હાંસલ કરવા માટેની બિડિંગ પ્રક્રિયાથી નરેશ ગોયલ દૂર રહેવાના છે.

જેટ એરવેઝ એને આર્થિક સંકટમાંથી ઉગારવામાં આવે એ માટે કોઈક નવી રાહત પેકેજ યોજનાની રાહ જુએ છે. જેટ એરવેઝના દેશી લેણદારોના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ વતી જેટ એરવેઝના વેચાણ માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કેપિટલ માર્કેટ્સને મંજૂરી મળી ગઈ છે.

પંજાબ નેશનલ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સુનીલ મહેતાએ કહ્યું છે કે જેટ એરવેઝને પુનર્જિવીત કરવા માટેની યોજના માટે લેણદારો પ્રતિબદ્ધ છે. એસબીઆઈ, એસબીઆઈ કેપિટલે આ યોજના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ યોજનાને હજી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. વાટાઘાટ ચાલુ છે.

જેટ એરવેઝે 18 એપ્રિલ સુધી એની તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.

જેટ એરવેઝે તેના વિમાનોને ઉડ્ડયનમાંથી હટાવી લેતાં ઘણા પ્રવાસીઓ રોષે ભરાયા છે અને સોશિયલ મિડિયા પર ઉભરો ઠાલવી રહ્યા છે, કારણ કે આ પ્રવાસીઓ જુદા જુદા એરપોર્ટ પર અટવાઈ ગયા છે.

વિમાનોમાં ઈંધણ ભરવા તેમજ અન્ય ઓપરેશનલ ખર્ચાઓની ચૂકવણી કરવા માટે પણ કંપની પાસે ભંડોળ નથી.