પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયાં; લખનઉ બેઠક પર રાજનાથ સિંહ સામે ચૂંટણી લડશે

લખનઉ (ઉત્તર પ્રદેશ) – કેન્દ્રીય રાજનાથ સિંહે આજે લખનઉ લોકસભા બેઠક પરથી એમનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે એમની સામે કોઈ મજબૂત હરીફ નહોતો. પરંતુ બે કલાક બાદ પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યાં હતાં.

પૂનમ સિન્હા પીઢ બોલીવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનાં પત્ની છે. શત્રુઘ્ન ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

પૂનમ સિન્હા આજે સવારે લખનઉ આવ્યાં હતાં અને સીધાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયે ગયાં હતાં જ્યાં પાર્ટીનાં સંસદસભ્ય ડિમ્પલ યાદવે એમને વિધિસર પાર્ટીનાં સભ્ય બનાવ્યાં હતાં. એમને પાર્ટીમાં સામેલ કર્યાના અડધા જ કલાકમાં એમને લખનઉ બેઠક માટે પક્ષના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યાં હતાં.

ડિમ્પલ યાદવે પૂનમ સિન્હાને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. બાદમાં, ત્યાં પાર્ટીનાં સ્થાપક મુલાયમ સિંહ યાદવ પણ આવી પહોંચ્યા હતા અને એમણે પૂનમ સાથે મીટિંગ કરી હતી.

સમાજવાદી પાર્ટીના સૂત્રોએ કહ્યું છે કે પૂનમ સિન્હા ગુરુવારે એમનું ઉમેદવારીપત્ર ભરશે. એ લખનઉમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળના સંયુક્ત ઉમેદવાર રહેશે. કોંગ્રેસ પાર્ટી પણ એમને ટેકો જાહેર કરે એવી ધારણા છે.

કોંગ્રેસે હજી લખનઉ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. આમ આ બેઠક પર હવે રાજનાથ સિંહ અને પૂનમ સિન્હા વચ્ચે સીધી ટક્કર થશે.

લખનઉમાં, ચાર લાખ કાયસ્થ મતદારો છે અને 1.3 લાખ સિંધી મતદારો છે. તે ઉપરાંત 3.5 લાખ મુસ્લિમ મતદારો પણ છે. પૂૂનમ સિન્હા સિંધી છે જ્યારે શત્રુઘ્ન સિન્હા કાયસ્થ જ્ઞાતિના છે.