iફોનની ડિલિવરીમાં વિલંબ થતાં ગ્રાહકે કર્મચારીની મારપીટ કરી

નવી દિલ્હીઃ દેશમાં iફોન માટે લોકોને ક્રેઝ છે. હાલમાં શહેરના કમલાનગરના એક ક્રોમા સ્ટારમાં iફોન 15ના સપ્લાયમાં વિલંબ થતા એક ગ્રાહક ભડકી ગયો હતો. iફોનની ડિલિવરીમાં વિલંબ થવા પર આ ગ્રાહકે ક્રોમાના સ્ટાફની સાથે બોલાચાલી કરીને તેના પર હાથ ઉપાડ્યો હતો. દુકાનમાં લાગેલા CCTV કેમેરાના આ ફુટેજ લીક થયા હતા અને સોશિયલ મિડિયા પર વાઇરલ થયા હતા.

iફોન લેવા માટે દિલ્હી જ નહીં, મુંબઈ, પુણે, અમદાવાદ અને ચેન્નઈ સુધી એપલ કે અન્ય સ્ટોરની બહાર લોકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. આ વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો.

કમલાનગરના ક્રોમા શોરૂમમાં ગ્રાહકો અને કર્મચારીઓની વચ્ચે iફોન 15ની ડિલિવરી મામલે મારપીટ થઈ હતી. iફોનના વેચાણ શરૂ થવા પર ડિલિવરી લેવા પહોંચેલા ગ્રાહક ના પાડવામાં આવતાં કર્મચારી સાથે મારપીટ કરી હતી. ગ્રાહક એટલો નારાજ થયો હતો કે તેણે તરત જ કર્મચારી સાથે મારપીટ કરવાની શરૂ કરી હતી.

આ મામલે તપાસ અધિકારીઓનું કહેવું છે કે ક્રોમા સ્ટોરના સ્ટાફે લોકોને દેશમાં iફોન 15ના વેચાણ શરૂ થવાના પહેલા દિવસે iફોનની ડિલિવરીનું વચન આપ્યું હતું. જોકે હવે ગ્રાહકો અને સ્ટોરના કર્મચારી વચ્ચે ઝડપ થતાં દિલ્હી પોલીસે ગ્રાહકની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. આ મહિને 12 સપ્ટેમ્બરે એપલે iફોન 15 લોન્ચ કર્યો છે અને એ ફોનનું વેચાણ શરૂ થયું છે. iફોન ખરીદવા માટે લોકોમાં ક્રેઝ છે.