કલાના ભવનમાં કલાકારો દ્વારા ગણેશજીની આરાધના

અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવનના પ્રાંગણમાં સંગીત, નૃત્ય, નાટ્ય કલા , ચિત્રકારો સહિતના કલાકારો ભેગા મળી ગણેશોત્સવ ઉજવે છે. તમામ પ્રકારની કલા સાથે જોડાયેલા લોકો વિધ્નહર્તાની આરાધના કરે છે.

રવિશંકર રાવલ કલા ભવન ખાતે ભેગા થતા કલા જગતના લોકોની એક કમિટી પણ છે. જેના કમિટી મેમ્બર અભિલાષ ઘોડા ચિત્રલેખા.કોમ ને કહે છે, અમદાવાદનું લો ગાર્ડન નજીક આવેલું આ કલા ભવન તમામ કલાકારોની સાધના દર્શાવતું  ઉત્તમ સ્થળ છે.

વધુમાં કહે છે કે, સૌ કલાકારો માટેનું  ઉત્તમ પ્લેટફોર્મ પણ છે. અમે કલા સાથે જોડાયેલા તમામ લોકો છેલ્લા નવ વર્ષ થી આ કલા ભવનમાં ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ. ગણેશજીના આ ઉત્સવમાં રંગભૂમિ, સંગીતથી માંડી તમામ કલા સાથે સંકળાયેલા લોકો પોતાની સેવા આપે છે.

 

અભિલાષ ઘોડા કહે છે કે, જુદી જુદી થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિના સ્વરૂપ સાથે મહાન ગાયિકા લતા મંગેશકર , રંગભૂમિના મુખોટા, ગણેશજીના હાથમાં વીણા , તબલાં જોડ્યા છે. કલા રસિક ભક્તોએ આ મૂર્તિની ડિઝાઈન છ મહિના પૂર્વે તૈયાર કરી ગણેશજીને તૈયાર કરાવ્યા.

એટલુ જ નહીં ગણેશોત્સવ દરમિયાન ગજાનનના સાંનિધ્યમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગીતો , ભજનો , ગરબા જેવા કાર્યક્રમો ઓર્કેસ્ટ્રા સાથે રજૂ કરવામાં આવે છે. રંગભૂમિ , ફિલ્મ સહિત તમામ ક્ષેત્ર ના કલાકારો આ પ્રસંગે ઉત્સાહ પૂર્વક સ્વૈચ્છિક સેવાઓ આપે છે.

પ્રજ્ઞેશ વ્યાસ