ગુજરાતના આ ગણેશ મંદિરમાં દાદાને ચઢે છે સિંદુર

દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ત્યારે આજે એવા ગણપતિ મંદિરની વાત કરવાની છે જે ગુજરાતના નડીયાદમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર 900 વર્ષ પુરાણું છે.

ભગવાન શિવનું મંદિર હોય કે સ્વામીનારાયણ મંદિર હોય,દરેક મંદિરમાં ગણેશજી બિરાજમાન હોય જ છે. એ સાર્વત્રીક બાબત છે. પરંતુ એકલા ગણેશજી હોયએ બાબત નવી છે. મંદિરમાં હનુમાનજીને સિંદુર લગાવવાનો મહિમા જગતભરમાં છે. પરંતુ ગણપતિ દાદાને સિંદુર અર્પણ કરાતું હોય એવા ગુજરાતમાં માત્ર બે જ મંદિર છે. પ્રથમ મંદિર ધોળકા પાસે આવેલું જમણી સૂંઢવાળા ગણપતિ દાદાનું અને બીજું નાનું છતા શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે.

નડીયાદના ગણપતિ મોહલ્લામાં બીરાજમાન ગણપતિ બાપ્પાનું મંદિર નવસો વર્ષ પુરાણુ હોવાનું મનાય છે. સર્વદેવોમાં સૌ પ્રથમ પૂજાતા આ ગણપતિદાદાના મંદિરની પણ વિશેષતા છે.

આ મંદિરના ઉપરના ભાગે જે ધુમ્મટ છે એનો આકાર મસ્જિદના મિનારા જેવો છે. કહેવાય છે કે મહંમદ ગજની એ સમયમાં મંદિરો પર ચઢાઈ કરીને એને તોડી પાડતો હતો માટે આ મંદિર પર ચઢાઈ ન કરી શકે એ ઉદ્દેશથી રાજા સિધ્ધરાજે આ મંદિરનો આકાર મિનારા જેવો આપ્યો હતો.

દરેક મંદિરમાં દાદાને ઘી-ગોળ અને લાડુનો નૈવૈધ ધરાવાય છે. પરંતુ નડીયાદના આ ગણેશજીને સિંદુર અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં ભાવિકો શ્રદ્ધાથી ભક્તો સિંદુર અર્પણ કરવાની બાધા રાખે છે અને શ્રદ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ પણ થાય છે. માટે જ આ દાદા ‘આશાપુરા ગણપતિદાદા’ના નામથી ઓળખાય છે. ગણપતિ દાદાના આ મંદિરમાં ગમે ત્યારે દર્શન કરવા જઈ શકાય છે. કારણ કે બાપ્પાનું આ મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે. આશાપુરા ગણપતિદાદાના મંદિરનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે ભક્તોએ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ભક્તોએ નતમસ્તક થઈને જવુ પડે છે.

દાદાને રિઝવવા માટે ભાવિકો પાંચ, અગિયાળ અને એકવીસના નાળિયેરના તોરણ અર્પણ કરે છે.ગણેશ મહોત્સના દસ દિવસમાં ભક્તોની ભારે ભીડ જામે છે. દૂર-દૂરથી ભક્તો દુંદાળા દેવના દર્શન કરવા આવે છે.