આઇસી15 ઇન્ડેક્સ 209 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં બુધવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.62 ટકા (209 પોઇન્ટ) ઘટીને 33,738 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,947 ખૂલીને 34,288ની ઉપલી અને 33,388 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટ્રોન અને પોલીગોન સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. ટોચના ઘટેલા કોઇનમાં અવાલાંશ, સોલાના, પોલકાડોટ અને કાર્ડાનો સામેલ હતા. બિટકોઇન 26,000 ડોલરની ઉપર રહી શક્યો હતો.

દરમિયાન, ચેઇનએનાલિસીસે કરાવેલા એક અભ્યાસનું તારણ છે કે ભારતમાં ક્રીપ્ટોકરન્સી પર ભારે કરવેરો લાદવામાં આવ્યો છે, છતાં વૈશ્વિક સ્તરે ભારત ક્રીપ્ટોકરન્સી અપનાવવામાં ટોચનું બીજું સ્થાન ધરાવે છે. ચેઇનએનાલિસીસે ગ્લોબલ ક્રીપ્ટો અડોપ્શન ઇન્ડેક્સ 2023 તૈયાર કરાવ્યો છે અને એના અહેવાલમાં ઉક્ત બાબત બહાર આવી છે. બીજી બાજુ, હોંગકોંગની મોનેટરી ઓથોરિટી, બેન્ક ઓફ ઇઝરાયલ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સે એક અહેવાલ બહાર પાડ્યો છે. પ્રોજેક્ટ સેલા હેઠળ આ અહેવાલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીની સલામતીની ચકાસણી કરવા માટે તૈયાર કરાવવામાં આવ્યો છે.

અન્ય એક અહેવાલ મુજબ ફ્રેન્કલિન ટેમ્પલ્ટને સ્પોટ બિટકોઇન ઈટીએફ માટે અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન સમક્ષ અરજી કરી છે. આવી અરજી કરનારી અત્યાર સુધીની એ સૌથી મોટી કંપની છે.