iPhone 15 સીરિઝમાં યૂઝર્સ માટે ટાઈપ-C ચાર્જિંગ સિસ્ટમની વિશેષતા

ક્યૂપર્ટિનોઃ એપલ કંપનીએ તેની આઈફોન શ્રેણીનો 15મો ફોન લોન્ચ કરી દીધો છે. iPhone 15ને ગઈ કાલે એપલ ઈવેન્ટ-2023માં રિલીઝ કરવામાં આવ્યો હતો. iPhone 15ની પ્રારંભિક કિંમત 799 ડોલર રહેશે જ્યારે iPhone 15 પ્લસ ફોનની પ્રારંભિક કિંમત 899 ડોલર રહેશે. ભારતીય ચલણ મુજબ, iPhone 15 128 જીબી વેરિઅન્ટની કિંમત રૂ.66,230થી શરૂ થશે અને iPhone 15 પ્લસ 128 જીબી વેરિઅન્ટની કિંમત રૂ.74,518થી શરૂ થશે.

આ બંને ફોનની નવી વિશેષતા એ કે યૂઝર્સને ચાર્જિંગ માટે USB Type-C પોર્ટનો સપોર્ટ પણ મળશે. મતલબ કે, ફોનને લાઈટનિંગ પોર્ટથી હટાવી દેવામાં આવ્યો છે. નોઈસ કેન્સલેશન અને SOS ફીચર આપવામાં આવ્યા છે. એને લીધે તમારી આસપાસ ભલે ગમે તેટલો અવાજ થતો હોય તો પણ ફોન કોલ પર તમને એ અવાજ સંભળાશે નહીં. આ બંને ફોનમાં Type-C પોર્ટ આપવામાં આવ્યો છે જેની મદદથી તમે ઈયરબોટ્સ, iPhone અને બીજા પ્રોડક્ટ્સ ચાર્જ કરી શકશો. iPhone 15માં યૂઝર્સને મળશે 48એમપીનો પ્રાઈમરી કેમેરા. આમાં સેન્સર શિફ્ટ ફીચર અને 2X ઓપ્ટિકલ ઝૂમનો સપોર્ટ પણ મળશે. નવા ફોનમાં ટ્રૂ-ડેપ્થ ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે.

(તસવીર સૌજન્યઃ @iPhone15Ultra)

એપલ કંપનીએ iPhone 15 Pro અને iPhone 15 Pro Max ફોનને પણ લોન્ચ કર્યા છે. આ બંનેની કિંમત અનુક્રમે 999 ડોલર અને 1,199 ડોલર છે. iPhone 15 પ્રો ફોનમાં સ્પેશિયલ વીડિયો ફીચર મળશે. એમાં 12એમપીનો અલ્ટ્રા-વાઈડ કેમેરા છે. નવી શ્રેણીના આઈફોનની સાથે એપલ કંપનીએ નવી શ્રેણીની એપલ વોચ પણ લોન્ચ કરી છે. એપલ કંપનીએ તેનો પહેલો iPhone 2007માં લોન્ચ કર્યો હતો. તે પછી કંપનીએ આઈફોનની 15 સીરિઝ અને 36 મોડેલ લોન્ચ કર્યા છે.