મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાવચેતીરૂપ ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વના નિર્ણય અને ફુગાવાના આંકડાની પ્રતીક્ષા વચ્ચે બજાર ઘટ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.56 ટકા (300 પોઇન્ટ) ઘટીને 53,079 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 53,379 ખૂલીને 53,561ની ઉપલી અને 51,025 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ડોઝકોઇન, બિટકોઇન, ઈથેરિયમ અને ચેઇનલિંકમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો હતો, જ્યારે 12.19 ટકા વૃદ્ધિ સાથે અવાલાંશ ટોચનો વધનાર કોઇન હતો. બીએનબી, પોલકાડોટ અને કાર્ડાનોમાં 6થી 8 ટકાની રેન્જમાં વધારો થયો હતો.
દરમિયાન, દક્ષિણ કોરિયાની ફાઇનાન્શિયલ સુપરવાઇઝરી સર્વિસે રોકાણકારોના રક્ષણાર્થે ક્રીપ્ટો ઉદ્યોગ માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. બીજી બાજુ, ચીનના બ્લોકચેઇન બેઝ્ડ સર્વિસ નેટવર્કે ચીનની સંપૂર્ણ વસતિની ઓળખની ચકાસણી કરવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. અન્ય અહેવાલ મુજબ જાપાનની કંપની એસબીઆઇ હોલ્ડિંગ્સે ડિજિટલ એસેટના રોકાણ ક્ષેત્રે ખેડાણ કરવા માટે સાઉદી અરેબિયાની ઓઇલ કંપની – અરામકો સાથે સહયોગ સાધ્યો છે.