નવી દિલ્હીઃ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરમાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને જીવનાવશ્યક દવા રેમડેસિવીર (ઈન્જેક્શન)ની માગ ખૂબ વધી ગઈ છે ત્યારે કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર આવતા 15 દિવસમાં રેમડેસિવીર ઉત્પાદન બમણું કરશે અને દરરોજના 3-લાખ વાયલ્સ તૈયાર કરશે.
માંડવિયાએ જણાવ્યું છે કે રેમડેસિવીરની તંગી દૂર કરવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. કોવિડ-19ની સારવારના એક ભાગરૂપની આ દવાની ઉપલબ્ધતા સરળ બનાવવા માટે સરકાર સતત કામ કરી રહી છે. તેનું ઉત્પાદન શક્ય એટલું જલદી વધારવામાં આવશે અને તેની કિંમત પણ ઘટાડવામાં આવશે. રેમડેસિવીર ઉત્પાદનના હાલ 20 પ્લાન્ટ કાર્યરત છે અને વધુ 20 પ્લાન્ટને આ દવાનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે.