અમદાવાદઃ બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, અમદાવાદસ્થિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે એશિયામાં બીજા નંબરના શ્રીમંત બની ગયા છે. એમણે ચીનના અબજોપતિ ઝોન્ગ શાનશાનને પાછળ રાખી દીધા છે. અદાણી હવે માત્ર એમના ભારતીય હરીફ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી છે.
અદાણી ગ્રુપની કુલ નેટવર્થ 66.5 અબજ ડોલર થઈ છે. ઝોન્ગ શાનશાનની સંપત્તિનો આંકડો 63.6 અબજ ડોલર નોંધાયો છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં 32.7 અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે. બીજી બાજુ, મુકેશ અંબાણીની સંપત્તિ 76.5 અબજ ડોલર છે. હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ અનુસાર, 2014થી અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં 432 ટકાનો વધારો થયો છે. જ્યારે અંબાણીની સંપત્તિમાં 267 ટકાનો વધારો થયો છે. વિશ્વ સ્તરે, અબજોપતિઓની બ્લૂમબર્ગ યાદીમાં અંબાણી અને અદાણી અનુક્રમે 13મા અને 14મા ક્રમે છે.
આ છે એશિયાના ટોપ-5 શ્રીમંતઃ
મુકેશ અંબાણી – $76.5 અબજ
ગૌતમ અદાણી – $66.5 અબજ
ઝોન્ગ શાનશાન (ચીન) – $63.6 અબજ
માહુઆંગતેંગ (ચીન) – $60.5 અબજ
જેક મા (ચીન) – $48.7 અબજ