રોયલ એનફિલ્ડ ખામીવાળી 2,36,966 મોટરસાઈકલ પાછી મગાવશે

મુંબઈઃ ભારતમાં ઓટોમોબાઈલ સેક્ટરની અગ્રગણ્ય કંપની આઈશર મોટર્સની મોટરસાઈકલ ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે જાહેરાત કરી છે કે, તેની ક્લાસિક, બુલેટ અને મીટિયર મોડેલની મોટરસાઈકલ્સમાં અમુક ખામી જોવા મળી છે. ઈગ્નિશન કોઈલમાં ખામી હોવાથી કેટલીક બાઇકમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટનું જોખમ હોવાથી 2,36,966 બાઈક રિકોલ કરાશે. કંપની ગ્રાહકની તે બાઈકના ખામીવાળા પાર્ટ મફતમાં બદલી આપશે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે કેટલીક બાઈક્સમાં આ ખામી રાબેતા મુજબના આંતરિક પરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવી હતી. આ ખામીભર્યા સાધન કંપનીએ 2020ના ડિસેમ્બર અને એપ્રિલ 2021 વચ્ચેના સમયગાળા દરમિયાન બાહ્ય સપ્લાયર પાસેથી મેળવ્યા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે. એનાથી ઉક્ત સમયગાળા દરમિયાન અમે બનાવેલી બધી મોટરસાઈકલને માઠી અસર થઈ નથી. તે છતાં સલામતીના નિયમો અને સાવચેતીના પગલા તરીકે રોયલ એનફિલ્ડે નિર્ણય લીધો છે કે તે સમયગાળામાં બનાવાયેલી અમુક મોડલ્સની મોટરસાઈકલો પાછી મગાવવી. રીકોલ કરેલી મોટરસાઈકલ્સનું નિરીક્ષણ કરાશે અને જરૂર લાગશે તો ખામીભર્યા પાર્ટને બદલી કરી આપવામાં આવશે. અમારો અંદાજ છે કે એમાંની 10 ટકાથી પણ ઓછી મોટરસાઈકલ્સમાં પાર્ટ બદલવાની જરૂર લાગશે.