એશિયામાં સૌથી વધુ પગારવધારો ભારતમાં કર્મચારીઓનો

નવી દિલ્હીઃ એશિયા પેસિફિકના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પગાર વધારો સૌથી વધુ છે. અંદાજ  છે કે આ વર્ષે વિયેતનામમાં કામ કરતા કર્મચારીઓને 8 ટકાનો વધારો મળવાની અપેક્ષા છે. ચીનમાં 6 ટકા, ફિલિપિન્સમાં 5.7 ટકા અને થાઇલેન્ડમાં 5 ટકાનો વધારો થશે, જ્યારે  ભારતીય કંપનીઓ આ વર્ષે પર્ફોર્મન્સ બેઝ એપ્રેઝલમાં 10 ટકાથી વધુનો વધારો આપે એવી શક્યતા છે.

ભારતમાં 91 ટકા કર્મચારીઓ અને મલેશિયામાં 72 ટકા કર્મચારીઓ નોકરી બદલતી વખતે ઓછામાં ઓછા 20  ટકા પગાર વધારાની અપેક્ષા રાખે છે.

ગયા વર્ષે, 2023માં  ભારતમાં 50 ટકાથી વધુ કર્મચારીઓને પર્ફોર્મન્સ બેઝ મૂલ્યાંકનના કારણે પાંચથી 10 ટકાની વચ્ચેનો વધારો મળ્યો હતો, જ્યારે 15 ટકા લોકોને પગારમાં 20 ટકાથી વધુનો વધારો મળ્યો હતો. ફ્યુચર ઓફ પે ઇન ઇન્ડિયા 2022 એ એક સર્વે બહાર પાડ્યો હતો જેમાં ઘણી કંપનીઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ તેમના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે.

સર્વેમાં સામેલ 90 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આગામી 12 મહિનામાં તેમના પગાર ધોરણમાં સુધારો કરવાનું વિચારી રહી છે. જ્યારે 88 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ તેમના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાનું કામ કરશે. ICICI સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર  નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં ભારતના શહેરી વિસ્તારોમાં કામ કરતા પગારદાર વ્યક્તિની માસિક સરેરાશ આવક રૂ. 20,030 હતી, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં વધીને રૂ 21,647 કરવામાં આવી હતી.

પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના એક અહેવાલ મુજબ દેશના શહેરી વિસ્તારોમાં દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતી વ્યક્તિને નાણાકીય વર્ષ 2021ના ​​બીજા ત્રિમાસિક સુધી દરરોજ રૂ. 385નું વેતન આપવામાં આવ્યું હતું. જોકે, નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિકમાં તેમનું વેતન પણ વધારીને રૂ. 464 પ્રતિ દિવસ કરવામાં આવ્યું હતું.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં પગારદાર કર્મચારીઓની સરેરાશ આવક નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પૂરા થયેલા 18 મહિનાના સમયગાળામાં દર મહિને રૂ. 14,700 હતી.