મહિલા દિને 25 દાદીમાના જન્મદિવસની અનોખી ઉજવણી!

રાજકોટ: જીવનની સંધ્યાકાળે લગભગ બધું જ ભૂલી જવાતું હોય છે. ત્યારે જન્મદિવસ તો કેમ યાદ હોય? જિંદગીના 70 કે 80 વર્ષની વયે અચાનક જ કોઈ હેપ્પી બર્થ ડે કહે તો? ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામમાં મહિલા દિવસે આવુ જ કંઇક બન્યું. આ ગામમાં એકસાથે 25 દાદીમાંનો કેક કાપીને જન્મદિવસ ઉજવાયો. ત્યારે દાદીમાંઓની આંખો છલકાઈ ગઈ.

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે એક અનોખો કાર્યક્રમ યોજાયો. ગામની શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન ટંકારીયા સંચાલિત કંકણ ગ્રુપ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 70 વર્ષથી ઉપરના 25 દાદીમાંના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તમામ દાદીમાંનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વડીલો પ્રત્યે અત્યારથી જ લાગણી જન્મે તથા સારા સંસ્કારોનું સિંચન થાય તે માટેનો હતો. આ રીતે વડીલોનું સન્માન કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

આ પ્રસંગે મોરબી જિલ્લા DPO નમ્રતાબહેન મહેતા સહિતના અધિકારીઓ, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી તેમજ ઇન્ડિયન લાયન્સ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો અને હોદેદારો હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબના કે.પી. ભાગિયા તેમજ મિત્રો તરફથી શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કંકણ ગ્રુપના બહેનો, સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી, ગામના આગેવાનો વડીલો, યુવાનો તેમજ બાળકોએ જહેમત ઉઠાવી હતી.

દેવેન્દ્ર જાની (રાજકોટ)