મુંબઈઃ કોરોના વાઈરસને કારણે નિયંત્રણો હોવાને કારણે આ વર્ષે ભારતવાસીઓની દિવાળી ઉજવણીમાં થોડોક કાપ જરૂર મૂકાયો છે, પણ ઉત્સાહ અને ઉમંગ ઓછો થયો નથી. ભારતવાસીઓએ આ વખતે જે રીતે દિવાળી ઉજવી એને કારણે પડોશના ચીનને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ભારતવાસીઓને દિવાળી પર બમ્પર ખરીદી કરવામાં કોરોના પણ રોકી શક્યો નથી. આ વર્ષે ભારતમાં વિક્રમસર્જક રૂ. 72,000 કરોડથી પણ વધારે મૂલ્યની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ છે. પરંતુ ભારતે ચીની ઉત્પાદનોની ખરીદી-વેચાણ પર મૂકેલા પ્રતિબંધને કારણે ચીનને રૂ. 40,000 કરોડથી પણ વધારેની ખોટ ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલી ‘લોકલ ફોર વોકલ’ ઝુંબેશ તેમજ કરેલા ‘આત્મનિર્ભર ભારત’ સંકલ્પને ઉત્તેજન આપવા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સંસ્થાની આગેવાની હેઠળ દેશભરમાં વેપારીઓ દેશી ઉત્પાદનોની પડખે રહ્યા છે. ક્યાંય પણ કોઈ વેપારીએ ચીની ચીજવસ્તુઓ વેચી નથી. ચીનમાંથી રાખડી જેવી વસ્તુઓ આયાત કરાતી હતી એટલું જ નહીં, પણ રાખડી બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓની પણ આયાત કરાતી હતી, જે પણ આ વખતે બંધ રહી છે. ચીનમાંથી ચાઈનીઝ ચીજવસ્તુઓની ભારતમાં ખૂબ નિકાસ થાય છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં તેની નિકાસમાં 24.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.