‘વિલ બનાવવું અત્યંત જરૂરી’: નિષ્ણાતોનો મત

કોરોનાવાઈરસ રોગચાળાએ દુનિયાભરમાં લોકોને પારવાર રીતે નુકસાન કર્યું છે. આ બીમારીના સંકટમાંથી લોકો જોકે પરિસ્થિતિનો સામનો કરવાનું પણ ઘણું શીખ્યા છે. તે છતાં એક બાબતની ભારતનાં લોકો હજી પણ અવગણના કરી રહ્યાં છે અને તે છે – વ્યક્તિગત વિલ બનાવવાનું. વસિયતનામું બનાવવામાં હજી ઘણા લોકો ઉદાસીન વલણ અપનાવે છે, આનાકાની કરે છે, વિલંબ કરે છે. લોકોને આ બાબતમાં જાગૃત કરવાનું કામ કર્યું છે  આર્થિક જગતના અમુક ટોચના નિષ્ણાતોએ – ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આયોજિત એક વેબિનારમાં.

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં ગઈ કાલે, રવિવાર 27 જૂને આર્થિક જગતના નિષ્ણાતોએ ‘રોગચાળામાંથી કયા બોધપાઠ શીખવા મળ્યા અને તમારું વિલ કેવી રીતે બનાવશો’ વિષયો પર ચર્ચા કરી હતી. નિષ્ણાતોએ આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને દર્શકો તથા રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું: રોગચાળામાંથી શીખેલા બોધપાઠ, તમારા મૃત્યુ પછી તમારી સંપત્તિનું તમારા વિલ અનુસાર વિતરણ થાય એની તકેદારી કેવી રીતે લેશો તથા તમારી ગેરહાજરીમાં તમારા વતી નિર્ણયો લે એવા ભરોસાપાત્રને કેવી રીતે ઓળખવા? સાથોસાથ, નિષ્ણાત વક્તાઓએ પોતાનાં વિચારો પ્રદર્શિત કર્યા હતા.

વેબિનારમાં ભાગ લીધો હતો આ નિષ્ણાતોએઃ અમેરિકન એકેડેમી ઓફ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ, ભારતના એકેડેમિક્સ વિભાગના ડાયરેક્ટર દીપક જૈન, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત અને આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ. કાર્યક્રમનું સંચાલન જયેશ ચિતલિયાએ કર્યું હતું. દીપક જૈને ચિત્રલેખાના દર્શકો-ઈન્વેસ્ટરોને વિલ બનાવવાના મહત્ત્વ વિશે એકદમ પદ્ધતિસર જણાવ્યું હતું-સમજાવ્યું હતું. વિલ કોણે બનાવવું જોઈએ, ક્યારે બનાવવું જોઈએ, કેવી રીતે બનાવવું જોઈએ જેવા અનેક મુદ્દાસર ગ્રાફિક્સની મદદથી વિશેષ જ્ઞાન આપ્યા બાદ તેમણે વિલની કાનૂની રીતે માન્યતાપ્રાપ્ત ફોર્મેટને વર્ડ ફાઈલના રૂપમાં પ્રસ્તુત કરી હતી અને દર્શકોને તેમાંની વિગત કેવી રીતે ભરવાની હોય છે તેનો પ્રેક્ટિકલ ડેમો રજૂ કર્યો હતો. દર્શકોએ તે માટે ભારે ઉત્સાહ બતાવ્યો હતો. દર્શકોના અનેક સવાલોના જવાબ પણ તેમણે આપ્યા હતા અને ટિપ્સ પણ આપી હતી. આખો વેબિનાર વસિયતનામાના મહત્ત્વની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી જાણકારીવાળો સાબિત થયો.

દીપક જૈન

કોરોના રોગચાળાના સંકટમાં જ પાંચ હજાર જેટલા વિલ બનાવી આપનાર દીપક જૈને કહ્યું કે પોતાની હયાતીમાં વ્યક્તિગત વિલ બનાવવામાં લોકોની અનિચ્છાનું વલણ ખરેખર ચિંતાજનક છે. હોંશેહોંશે કરેલી બચતથી કે મૂડીરોકાણ દ્વારા સંપત્તિ એકઠી કરી હોય તેને વ્યક્તિના મૃત્યુ બાદ એના પરિવારજનોને સુરક્ષિત અને આસાનીથી ઉપલબ્ધ કરાવી આપે એ દસ્તાવેજનું નામ વિલ. આ દસ્તાવેજ જેટલો પારદર્શક હશે એટલો વ્યક્તિના મૃત્યુ બાદ વિવાદ ઓછો થશે. વ્યક્તિગનું આ અંગત દસ્તાવેજ તેના મૃત્યુ પાદ જાહેર દસ્તાવેજ બની જાય છે. આ વિલ બનાવવાનું ખર્ચાળ નથી, ગૂંચવણભર્યું નથી અને સમય બરબાદ કરનારું પણ એવી દીપક જૈને ખાસ જાણકારી આપી.

વિલ ક્યારે બનાવવું જોઈએ? નિવૃત્તિની રાહ જોવી જોઈએ? એવા એક સવાલના જવાબમાં દીપક જૈને કહ્યું કે આજે જ વિલ બનાવી લેવું જોઈએ, ગમે તે ઉંમર હોય અને ગમે તે સ્થિતિ હોય. એ માટે આવતીકાલ પણ પાડવી ન જોઈએ.

શૈલેન્દ્ર દીક્ષિતે પણ એક ઓપિનીયન પોલ રજૂ કર્યો હતો અને દર્શકોને સવાલ પૂછ્યા હતા કે શું તમે મ્યુચ્યુઅલ ફંડ કે તમારા અન્ય મૂડીરોકાણમાં નોમિનેશન રાખ્યું છે? તમારા મૂડીરોકાણની વિગતોથી તમારા પરિવારજનો વાકેફ છે? તમે વિલ બનાવ્યું છે? ત્યારે ત્રીજા સવાલના જવાબમાં માત્ર 8.2 ટકા લોકોએ જ ‘હા’ જવાબ આપ્યો હતો. ત્યારે દીક્ષિતે કહ્યું કે અચાનક મૃત્યુ આવી જાય તો પરિવારજનો દયાજનક સ્થિતિમાં મૂકાઈ ન જાય એટલા માટે વિલ બનાવી લેવું જરૂરી છે. વિલની જરૂરિયાત વિશે દીક્ષિતે કેટલાક ચાર્ટની મદદથી સાદી સમજ આપી હતી.

શૈલેન્દ્ર દીક્ષિત

જયેશ ચિતલિયાએ કહ્યું કે ગ્રીક રાજા સિકંદરે એમના નિકટજનોને કહેલી એક વાત અને હિન્દી ફિલ્મ ‘તિસરી કસમ’ના જાણીતા ગીત ‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ…’નું દ્રષ્ટાંત આપીને કહ્યું કે મૃત્યુ પછી સાથે ભલે કંઈ લઈ જવાતું નથી, પરંતુ માનવી એની હયાતીમાં મહેનત કરીને સંપત્તિ મેળવે છે જેથી પોતાના પરિવારને ખુશ રાખી શકે. કોવિડના કઠિન સમયમાં ઘણું નુકસાન જોયું. પરંતુ આપણે આર્થિક રીતે સ્વસ્થ રહેવાનું છે. સ્માર્ટ ઈન્વેસ્ટર આવા કઠિન સમયમાંથી પણ ઘણું શીખી લે છે. સમજીવિચારીને અને નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય પ્લાનિંગ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવાના ઘણા રસ્તા છે.

જયેશ ચિતલિયા

અગાઉ, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના આરંભે નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો અને કહ્યું કે કોરોના મહાબીમારીનો કહેર ઓછો થયો છે. આપણે રોગચાળાની બીજી લહેરની ક્રૂરતા જોઈ, પણ સફળતાપૂર્વક એનો સામનો પણ કરી બતાવ્યો છે. ધીમે ધીમે પરિસ્થિતિ રાબેતા મુજબની બની રહી છે. લોકોને ઘણું શીખવા મળ્યું છે, ખાસ કરીને, સ્માર્ટલી ઈન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું. મહામારી જેવી આપદાઓ વખતે કેવી તકેદારી રાખવી જોઈએ એનો બોધપાઠ શીખવો જરૂરી છે. ધારો કે, કંઈક અજુગતું બની જાય તો પરિવારજનો માટે વિલ કેવી રીતે તૈયાર કરવું જોઈએ તે પણ શીખવાનું છે અને એ માટે જ આજના વેબિનારમાં નિષ્ણાતો આપણી સમક્ષ હાજર છે.

(સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)