‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર 5 સપ્ટેમ્બરે નિષ્ણાત વક્તાઓએ નિવૃત્તિ પછીના આર્થિક આયોજન પર વિશેષ વેબિનાર સિરીઝમાં ‘આર્થિક સ્વતંત્રતા: નિવૃત્તિ આયોજન ભાગ-2’માં જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચર્ચાના મુદ્દા હતાઃ નીચા વ્યાજદરો, શેરબજાર ટોચ પર, આ પરિસ્થિતિમાં નિવૃત્તિનું આયોજન કેમ કરી શકાય, નિવૃત્તિ આયોજનમાં ઈક્વિટી અને એસેટ એલોકેશન.
આ વખતના વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત, આદિત્ય બિરલા સન લાઈફ AMC લિમિટેડની AVP ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ટીમના ફંડ મેનેજર ધવલ શાહ અને પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદી. અમિતભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું.
વેબિનારના પ્રથમ ભાગમાં કેટલાક શ્રોતાઓએ સવાલ મોકલ્યા હતા. આ વખતના બીજા ભાગમાં એ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજા ભાગને ચાર હિસ્સામાં વહેંચવામાં આવ્યો હતો. શરૂઆતમાં નિવૃત્તિ આયોજન અંગે શૈલેન્દ્ર દીક્ષિત અને અમિત ત્રિવેદીએ બેઝિક જાણકારી આપી હતી. ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં 16-વર્ષનો અનુભવ ધરાવનાર ધવલ શાહે ઈક્વિટી વિષયમાં પોતાના જ્ઞાનની વહેંચણી કરી હતી. દીક્ષિત અને અમિત શાહે ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કર્યું હતું. એ માટે આદિત્ય બિરલાની વેબસાઈટને ચેટ બોક્સમાં શેર કરવામાં આવી હતી.
શૈલેન્દ્ર દીક્ષિતે કહ્યું કે આપણી પાસે જે સમય હોય છે તે જ આપણી સૌથી મોટી મૂડી ગણાય. તમે સમયનો જે રીતે સદુપયોગ કરો એના પરથી તમારું ભાવિ ઘડાય છે. માનવીને સૌથી વધારે જરૂરિયાત છે સારા આરોગ્યની. એવી જ રીતે તમારે તમારા જ્ઞાનનો પણ સદુપયોગ કરવો જોઈએ. તેથી આ બાબતો માટે ઈન્વેસ્ટ કરવાની જરૂર છે. આયોજન મુજબ ઈક્વિટીમાં મૂડીરોકાણ કરવું જોઈએ. ફૂગાવાને મ્હાત કરવું કે કન્ટ્રોલ કરવું એ આપણા હાથની વાત હોતી નથી. આવી પરિસ્થિતિમાં તમે લાભ ઉઠાવી શકો છો ઈક્વિટીમાં ઈન્વેસ્ટ કરીને.
ધવલ શાહે કહ્યું કે, ઈક્વિટી ફૂગાવાનો સરસ રીતે સામનો કરી શકે છે. એનું એક કારણ એ છે કે ઈક્વિટીમાં લાંબા સમયનું, ધારો કે દસ વર્ષનું ઈન્વેસ્ટમેન્ટ હશે તો એની પર તમને કંપનીની નફાશક્તિ અનુસાર સારું વળતર મળી રહેશે. ઘણી વાર ફૂગાવા કરતાં પણ વધારે વળતર મળી રહે છે. એકંદર આર્થિક વિકાસ વધી રહ્યો છે. એવી ધારણા છે કે તે આવતા ત્રણથી પાંચ વર્ષમાં એવો ટ્રેન્ડ જોવા મળશે જે 15-16 વર્ષ પહેલા હતો. વળી, એ ટ્રેન્ડ લાંબા સમય સુધી ચાલશે પણ ખરો એવી પણ ધારણા છે. તેથી ઈક્વિટીમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ. એવા પણ સવાલો થાય છે કે કયા સેક્ટરમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ? તો એ માટે સલાહ છે કે પાંચ-દસ વર્ષમાં તેજી આવી શકે છે. ખાનગી સેક્ટરની બેન્કોના શેરોમાં, લક્ઝરી વપરાશી ચીજવસ્તુઓ જેમ કે એરકન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન – આ ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં ટોચની ત્રણથી પાંચ કંપનીઓનો માર્કેટ શેર વધી રહ્યો છે.
બેસ્ટ ફાઈનાન્સિયલ ટીચર તરીકેનો એવોર્ડ મેળવનાર અમિત ત્રિવેદીએ કહ્યું કે તમારી કમાણીમાંથી તમારે માટે સૌથી વધારે મહત્ત્વનું છે ઈમરજન્સી ફંડ. તે ઉપરાંત હેલ્થ વીમો પણ એટલો જરૂરી છે. વળી, તમારી પર કોઈ આશ્રિત હોય તો લાઈફ ઈન્સ્યોરન્સ પણ એટલો જ મહત્ત્વનો બની જાય છે. કેટલાક પગારદાર લોકો કહેશે કે મારી પાસે એટલા પૈસા નથી કે નિવૃત્ત માટે અત્યારથી જ આયોજન કરું. તો એમને એટલું કહેવાનું કે, શક્ય હોય એટલું જલદી થોડી-થોડી બચત કરવી જોઈએ.
(સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)