મુંબઈઃ ભારતમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરે છેલ્લા બે મહિનામાં કારની ડીમાન્ડ-સપ્લાયની સ્થિતિને ઘણે ખરે અંશે સંતુલિત કરી દીધી હોવાથી હવે થોડાક સમય માટે કારની કિંમત સ્થિર રહેશે અને માગમાં વધારો થશે. આવી આશા ફોક્સવેગન (અથવા વોક્સવેગન) પેસેન્જર કાર્સ ઈન્ડિયા કંપનીના એક અધિકારીએ વ્યક્ત કરી છે.
કંપનીના બ્રાન્ડ ડાયરેક્ટર આશિષ ગુપ્તાનું કહેવું છે કે ગયા મે મહિનામાં દેશભરમાં વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો, જે આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં સરસ રીતે વધ્યો હતો. પરંતુ, એપ્રિલ-મે મહિનામાં કોરોનાના કેસ ફરી વધી જતાં સત્તાવાળાઓએ નિયંત્રણો અને લોકડાઉનનો સહારો લીધો હતો. એને કારણે કારની માગ ઘટી ગઈ હતી. પરંતુ હવે જૂનમાં, કેટલાક રાજ્યોએ નિયંત્રણો હળવા કરતાં, રસીકરણ ઝુંબેશમાં ગતિ આવતા અને ચોમાસું પણ સામાન્ય જવાની આગાહી કરવામાં આવી હોવાથી અર્થતંત્ર આગામી અઠવાડિયાઓમાં જ ગતિ પ્રાપ્ત કરશે અને તેને પગલે કારનું વેચાણ ફરી વધશે એવી ધારણા છે.