2023માં ઝોમેટો, સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર અપાયા બિરયાનીનાં

મુંબઈઃ સમાપ્ત થવા આવેલા વર્ષ 2023માં ઝોમેટો યૂઝર્સ દ્વારા સૌથી વધારે બિરયાનીના ઓર્ડર આપવામાં આવ્યા હતા, એમ આ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા તેના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઝોમેટોનું કહેવું છે, 2023માં તેના પ્લેટફોર્મ મારફત બિરયાનીના 10.09 કરોડ ઓર્ડર આપવામાં આવ્યા હતા. ઝોમેટોની હરીફ સ્વિગી કંપનીને પણ આ જ અનુભવ થયો છે. સતત આઠમા વર્ષે સૌથી વધારે ઓર્ડર પ્રાપ્ત કરવામાં બિરયાની ડિશ પહેલા નંબરે રહી છે. એક અંદાજ મુજબ, વર્ષ 2023માં, ભારતમાં પ્રત્યેક સેકંડે બિરયાનીના અઢી જેટલા ઓર્ડર આપવામાં આવ્યા હતા.

આ દર્શાવે છે કે ભારતનાં લોકોનો બિરયાની પ્રત્યેનો પ્રેમ અપાર છે. ઝોમેટો પર બિરયાની પછીનો નંબર પિઝ્ઝાનો આવે છે, જેના 7.45 કરોડ ઓર્ડર મળ્યા હતા. ફૂડ ડિલિવરી સેવામાં ઝોમેટોની સાથે સ્વિગી જોડાતાં બિરયાનીનાં ઓર્ડરની સંખ્યા ખૂબ વધી ગઈ છે.