નવી દિલ્હીઃ દેશભરના લાખો વેપારીઓ આવતીકાલે એક-દિવસની હડતાળ પાડવાના છે. એને કારણે દેશભરમાં તમામ વ્યાપારી બજારો બંધ રહેશે.
વેપારીઓની માગણી છે કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવે. તદુપરાંત, ઈ-કોમર્સ તંત્રમાં રહેલી ખામીઓને સરકાર દૂર કરે જેથી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કરતી અટકે. આવતીકાલે હડતાળના ટેકામાં ટ્રાન્સપોર્ટ સેક્ટરે પણ ‘ચક્કા જામ’ની જાહેરાત કરી છે. દેશભરના આશરે એક કરોડ જેટલા ટ્રાન્સપોર્ટરો પણ હડતાળને ટેકો જાહેર કર્યો છે. વેપારીઓ એમનો વિરોધ નોંધાવવા આવતીકાલે જીએસટી પોર્ટલ પર લોગીન નહીં કરે.