‘નોટ-ફિટ-એન્ડ-પ્રોપર’ ઘોષિત બ્રોકરોના કેસમાં NSELને SATમાં સુનાવણીની તક આપવાનો SCનો હુકમ

નવી દિલ્હીઃ એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં બ્રોકરોને ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કરનારા ‘સેબી’ના આદેશ સંબંધે એનએસઈએલનો પક્ષ સાંભળવાનો હુકમ સર્વોચ્ચ અદાલતે કર્યો છે.

બ્રોકરોએ પોતાની સામે ‘સેબી’એ જારી કરેલા ‘નોટ એન્ડ ફિટ પ્રોપર’ના આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં પડકાર્યો છે. આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે બ્રોકરોના પક્ષની સુનાવણીની સાથે સાથે એનએસઈએલને પણ ‘સેટ’માં રજૂઆત કરવાની તક મળવી જોઈએ. આથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેને અદાલતે સ્વીકારી લીધી છે.

નોંધનીય છે કે જુલાઈ ૨૦૧૩માં એનએસઈએલમાં ૫,૬૦૦ કરોડ રૂપિયાની પેમેન્ટ કટોકટી સર્જાઈ એ વખતના નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ઉક્ત કેસમાં બ્રોકરો વતી સર્વોચ્ચ અદાલતમાં દલીલો કરી હતી, જેને અદાલતે ફગાવી દીધી છે. અદાલતે ‘સેટ’ને આપેલા આદેશમાં કહ્યું છે કે એનએસઈએલને પોતાનો પક્ષ માંડવા દેવો.

અહીં એ પણ જણાવવું ઘટે કે એનએસઈએલની પેમેન્ટ કટોકટી ૨૦૧૩માં બહાર આવી હતી, પરંતુ ગેરરીતિ કર્યાનો આક્ષેપ ધરાવનારા બ્રોકરો આબાદ છટકી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ૨૦૧૫માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે ટોચની પાંચ કોમોડિટી બ્રોકિંગ કંપનીઓ – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડ દ્વારા એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી.

આર્થિક ગુના શાખાના ઉક્ત અહેવાલ બાદ ‘સેબી’એ બ્રોકરો સંબંધે તપાસ હાથ ધરી હતી અને તેને પગલે ૨૦૧૯માં ઉક્ત પાંચે બ્રોકરોને ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કર્યા હતા. બ્રોકરોએ ‘સેબી’ના આદેશને ‘સેટ’માં પડકાર્યો છે.

એનએસઈએલનું કહેવું છે કે ‘સેબી’એ બ્રોકરો વિરુદ્ધના અનેક આક્ષેપો બાબતે વિચાર કર્યો નથી. આથી આ કેસમાં તેને ‘સેટ’માં સુનાવણીની તક મળવી જોઈએ. સેટે એ અરજીનો ટેક્નિકલ આધાર પર અસ્વીકાર કર્યો તેથી એનએસઈએલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેનો ઉક્ત ચુકાદો મંગળવારે ૨૪મી ફેબ્રુઆરીએ અદાલતે આપ્યો હતો.

૬૩ મૂન્સ ટેક્નોલોજીસે જેમની સામે ૧૦,૦૦૦ કરોડની નુકસાનીનો દાવો કર્યો છે એ જ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતમાં બ્રોકરો વતી દલીલો કરી એ જાણીને સમગ્ર નાણાકીય વર્તુળોમાં આઘાતની લાગણી પ્રસરી હતી. એનએસઈએલનું કહેવું છે કે ચિદમ્બરમના કાળમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશને અનુચિત રીતે એનએસઈએલની બાબતે પ્રમોટર કંપનીને નોટ ફિટ એન્ડ પ્રોપરની કલમ લાગુ કરી, જેને કારણે કંપનીને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૬૩ મૂન્સને ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કરાવનાર આ નેતાએ હવે બ્રોકરોને એ કલમથી બચાવવાનો પ્રયાસ કર્યો એનાથી આશ્ચર્ય સર્જાયું હતું.

એનએસઈએલે અનેક મંચ પરથી કહ્યું છે કે એક્સચેન્જમાં પેમેન્ટ કટોકટી સર્જવા માટે પી. ચિદમ્બરમે પોતાના માનીતા સનદી અધિકારીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકની સાથે મળીને ષડ્યંત્ર ઘડ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]