સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 24 ફેબ્રુઆરી, બુધવારે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું ભૂમિપૂજન કર્યું હતું અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આ સ્ટેડિયમનું “નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ” તરીકે નામાધિમાન કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમની પરિકલ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જ કરી હતી અને ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ બનીને તેને સાકાર કરવા માટે બળ પૂરૂં પાડ્યું હતું.

રાષ્ટ્રપતિએ તેમના પ્રવચનની શરૂઆત “કેમ છો, મને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદઘાટન કરીને આનંદ થયો છે” તેવા ગુજરાતી શબ્દો સાથે કરીને ઉપસ્થિત નાગરિકોનું તાળીઓથી અભિવાદન મેળવ્યું હતું.

કોવિંદે કહ્યું કે, 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું આગવું અને અનોખું સ્ટેડિયમ બની રહેશે. રમત-ગમત ખેલાડીઓમાં નિ:સ્વાર્થ ભાવ સાથે ચારિત્ર્ય નિર્માણના ગુણો પણ કેળવે છે. દેશમાં રમત-ગમતના માળખાકીય વિકાસ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેલાડીઓને પણ મંચ મળ્યું છે. આ ક્રિકેટ સ્ટેડિયમથી પ્રેક્ષકોને મનોરંજન અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ મળશે.

આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી કહેતા કે જ્યાં સુધી રમત-ગમત ક્ષેત્રે યુવાનો આગળ નહીં વધે ત્યાં સુધી દેશ આગળ વધી શકશે નહીં. આ પરિકલ્પનાને સાકાર કરવા જ વડાપ્રધાને ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફીટ ઇન્ડિયા’ ઝુંબશો હાથ ધરી છે. 233 એકરમાં ઓલિમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સ રમાડી શકાય તેવી તમામ ખેલ સુવિધાઓ અમદાવાદમાં સાકાર થશે. ક્રિકેટના નાણાંનો ઉપયોગ અન્ય રમતોના વિકાસ માટે થાય તેવુ દ્રષ્ટિવંત આયોજન કરી ગુજરાતમાં ખેલ સુવિધાની વૃધ્ધિ કરી છે. હેરિટેજ સીટી એવું અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ખ્યાતિ મેળવશે. કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી કિરણ રિજીજુએ કહ્યું કે, આજનો દિવસ ફક્ત ખેલ જગત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક છે. આપણે પહેલા સ્વપ્ન જોતા હતાં કે, વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ ભારતમાં ક્યારે નિર્માણ પામશે? પરંતુ આજે હું અમદાવાદની ભૂમિ પરથી કહી શકું છું કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખરા અર્થમાં સાકાર થઇ ચૂક્યું છે. વડાપ્રધાન મોદી દરેક ક્ષેત્રમાં ભારતને આગળ વધારવા માટે જે પ્રતિબધ્ધતાથી કાર્ય કરી રહ્યા છે તેમાં રમત-ગમત ક્ષેત્રે આ ક્રિકેટ સ્ટેડિયમ આદર્શ પૂરવાર થયુ છે. આ સ્ટેડિયમ વિશ્વના મોડલ સ્ટેડિયમ તરીકે ટૂંકા ગાળામાં નિર્માણ પામ્યું છે તે સ્વયં એક રેકોર્ડ સમાન છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વયં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના શુભારંભ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતીઓ અગાઉ તેમની વ્યાપાર કુનેહ માટે જ જાણીતા હતા તેવા ગુજરાતમાં આ સ્ટેડિયમની શરૂઆતથી રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટેનું ક્ષેત્ર આકારીત થઇ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કંઇ પણ કાર્ય કરે છે તે અપ્રતિમ અને સૌથી મોટું કરે છે. તેમની પ્રેરણાથી આ અગાઉ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્મિત કરીને વિશ્વ સમક્ષ તેના દર્શન કરાવ્યા છે. હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવીને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આગવો ચીલો ચાતર્યો છે.

કુલ રૂ. 4600 કરોડના ખર્ચે બનનાર સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવનું પી.પી.પી. મોડલથી નિર્માણ કરવામાં આવશે. ફુટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ તેમજ હોકી સ્ટેડિયમ, તેમ અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ આ સંકુલમાં આકાર પામશે. આજના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સાંસદ પરિમલ નથવાણી, બી.સી.સી.આઇ.ના સચિવ જય શાહ, જી.સી.એ.ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણી , ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, ખેલ જગતના નામાંકિત ખેલાડીઓ, પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ અમદાવાદના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(Image courtesy: Information Dept, Govt of Gujarat)