સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં એમેઝોનનું વેરહાઉસ ધ્વસ્ત થતા છ જણના નિપજેલા મરણની ઘટનાને કારણે ઈ-કોમર્સ ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપની સામે અમેરિકાની સરકાર તપાસ ચલાવે એવી શક્યતા છે. કારણ કે વેરહાઉસના કર્મચારીઓએ જણાવ્યું છે કે એમને તાકીદની પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ પ્રકારની તાલીમ આપવામાં આવી નહોતી અને કુદરતી આફતો આવી પડે ત્યારે કામ છોડીને જવાની છૂટ પણ આપવામાં આવતી નથી. એમેઝોનના તમામ વેરહાઉસ ખાતે આ જ પદ્ધતિ લાગુ કરાઈ હોવાનું મનાય છે.
ગઈ 10 ડિસેમ્બરે ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડામાં એમેઝોનના વેરહાઉસની છત તૂટી પડી હતી. તે ઘટના વિશે અમેરિકામાં ઓક્યૂપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન દ્વારા તપાસ શરૂ કરાઈ છે. એક અહેવાલ અનુસાર, હવામાનમાં ગંભીર પલટો આવવાની કલાકો પૂર્વે નોટિસ આપવામાં આવી હોવા છતાં એમેઝોનના વેરહાઉસમાંના કર્મચારીઓને એમનાં ઘેર જવા દેવામાં આવ્યાં નહોતાં. તે પછી વાવાઝોડું ફૂંકાયું હતું અને વેરહાઉસ ધ્વસ્ત તથાં છ કર્મચારી માર્યા ગયા હતા. કર્મચારીઓએ કહ્યું કે ગયા જૂન મહિનામાં વિક્રમસર્જક ગરમી પડી હતી. તે છતાં વોશિંગ્ટનમાંના એમેઝોન વેરહાઉસમાં પંખાઓ પણ નહોતા અને વેરહાઉસની અંદરનું તાપમાન 90 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
