નવી દિલ્હીઃ ઝારખંડના દેવઘરમાં મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 18 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મારા લોકસભા ક્ષેત્ર દેવઘરમાં શ્રાવણ માસમાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રકના અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. બાબા વૈદ્યનાથ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. નિશિકાંત દુબે પહેલાં ઝોનલ IG સંથાલ પરગણા એસ. કે. સિંહાએ જણાવ્યું હતું કે બસ અને ટ્રક વચ્ચેની ટક્કર બાદ પાંચ કાવડિયાઓનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
मेरे लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 29, 2025
દેવઘરના SDO રવિકુમારએ જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે મળી હતી. દેવઘરથી શ્રદ્ધાળુઓને લઈને વસુકીનાથ જતી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ. ત્યાર બાદ બસનું બેલેન્સ જતાં એ ઈંટના ઢગલા સાથે અથડાઈ. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની સાથે ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. મૃતદેહોને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 23 લોકોની સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટના કેવી રીતે બની?
એક પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે કાવડિયાઓને લઈ જતી બસ ગેસ સિલિન્ડર લઇ જતાં એક ટ્રક સાથે ટકરાઈ ગઈ. આ અકસ્માત વહેલી સવારે આશરે 4:30 કલાકે મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જમુનિયા જંગલના નજીક થયો હતો. કાવડિયાઓથી ભરેલી 32 સીટની બસ અને ગેસ સિલિન્ડર લઇ જતો ટ્રક આમનેસામને અથડાયા હતા.
આ અકસ્માત બાદ જિલ્લામાંથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
