નવી દિલ્હીઃ આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ અને તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય બજેટમાં આ ચૂંટણીવાળાં રાજ્યોને નગણ્ય જેટલી જ ફાળવણી કરવામાં આવી છે. આ સ્થિતિ ગયા પાંચ વર્ષોના ટ્રેન્ડથી સંપૂર્ણપણે વિપરીત જોવા મળે છે. છેલ્લાં બે બજેટમાં બિહાર પર વિશેષ ભાર મૂકવામાં આવતાં રાજકીય વિવાદો ઊભા થયા હતા.
આ વર્ષે આસામમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં રાજ્યમાં બૌદ્ધ સર્કિટની સ્થાપના કરવામાં આવશે, જ્યારે તેજપુરમાં NIMHANSનું એક પ્રાદેશિક કેન્દ્ર બનાવાશે. બીજી તરફ, ઉત્તર બંગાળના ચેન્નઈ અને સિલીગુડીને હાઈ-સ્પીડ રેલ કોરિડોરના હબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેરળ અને તામિલનાડુને રેર અર્થ મેટલ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે. આ ઘોષણાઓ NDA અને UPA સરકારોના કાર્યકાળ દરમિયાન થયેલા અનેક અગાઉનાં ઉદાહરણોની તુલનામાં ફિક્કી જણાય છે, જ્યારે ચૂંટણીવાળાં રાજ્યોને મોટા પાયે ફાળવણી અથવા વિશેષ પ્રોજેક્ટ્સ મળતા હતા.
NDAના કાર્યકાળનું બજેટ
2014થી અત્યાર સુધી થયેલી 72 વિધાનસભા ચૂંટણીઓમાં (આ વર્ષે થનારી ચૂંટણીઓ સહિત), બજેટમાં 21 ચૂંટણીવાળાં રાજ્યો માટે ખાસ ફાળવણી અથવા જાહેરાતો કરવામાં આવી છે. 2025-26માં દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં, બજેટમાં બિહાર માટે ખાસ જાહેરાતો કરવામાં આવી હતી. એ સાથે જ મધ્યમ વર્ગને આકર્ષવા માટે દિલ્હીને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
બિહારને મખાણા બોર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, એન્ટ્રપ્રેન્યોરશિપ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, મિથિલાંચલ વિસ્તારના ખેડૂતો માટે પશ્ચિમી કોશી નહેર ERM પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય તેમ જ નવા એરપોર્ટ અને પટના એરપોર્ટના વિસ્તરણ માટે ફાળવણી આપવામાં આવી હતી.
2024-25માં જ્યાં વચગાળાના બજેટમાં ચૂંટણીવાળાં આઠ રાજ્યો માટે કોઈ વિશિષ્ટ ફાળવણી કરવામાં આવી નહોતી, ત્યાં લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ રજૂ થયેલા બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર માટે ખાસ જાહેરાતો કરવામાં આવી. અહીં NDAના ઘટક દળો TDP અને JDUએ ગઠબંધનને લોકસભામાં બહુમતી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.બજેટમાં આંધ્ર પ્રદેશની રાજધાનીના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી અને પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ તથા વિશાખાપટ્ટણમ–ચેન્નઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર માટે નાણાં આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.


