નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ શિસ્તભંગના આરોપસર મહારાષ્ટ્રમાંથી 40 અને ઝારખંડમાંથી 30 નેતાઓની હકાલપટ્ટી કરી નાખી છે. મહારાષ્ટ્રમાં આ તમામ નેતાઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. ભાજપમાં બળવાખોરો ઘણી બેઠકો પર પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એ. ટી. પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા. હીના ગાવિત 2014 અને 2019માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગયા હતા. આવી સ્થિતિમાં તે હવે ધારાસભ્ય બનવા માંગતા હતા. પરંતુ ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગઈ હતા. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાના ઉમેદવાર બનાવ્યા. અત્યાર સુધી ભાજપના બળવાખોરો રાજ્યમાં 30 સીટો પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.ઝારખંડમાં પણ ભાજપે પક્ષના ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરનાર 30 નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. તેની જાણકારી પાર્ટીએ એક નિવેદન દ્વારા આપી. પાર્ટીએ જણાવ્યું કે તમામ બળવાખોર ભાજપ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીથી કાઢી મૂકાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીના આદેશ પર મહામંત્રી અને સાંસદ ડો.પ્રદીપ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરીને પાર્ટીની નીતિઓ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આવા 30 ભાજપના બળવાખોર નેતાઓને પાર્ટીથી છ વર્ષ માટે હાંકી કઢાયા છે. ઝારખંડની 81 સદસ્યીય વિધાનસભા માટે ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.