જૂનાગઢ: પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાવાનો છે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળાની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળામાં આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રોકાણ માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતા ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કર્યો છે. ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મેળામાં આવતા નાગરિકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા ૨૫ અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરિકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવશે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવશે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે. મેળાના રસ્તામાં ૦૬ – સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે.
‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.


