એર ઈન્ડિયા વિમાનનું હાઈજેક કરવાનો પ્રયાસ?: નવ પેસેન્જરો કસ્ટડીમાં

નવી દિલ્હીઃ બેંગલુરુથી વારાણસી જતા એર ઈન્ડિયાના વિમાનમાં એક મુસાફરે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વિમાનમાં હલચલ મચી ગઈ. તે મુસાફરે સાચો પાસકોડ પણ દાખલ કર્યો હતો, પરંતુ કેપ્ટને હાઈજેકની શંકાથી દરવાજો ખોલ્યો નહોતો. આ વ્યક્તિ તેના આઠ અન્ય સાથીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તમામ નવ મુસાફરોને CISFને સોંપી દેવામાં આવ્યા છે.

સુરક્ષામાં કોઈ ખામી નથી: એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે અમને વારાણસી જતાં વિમાન અંગેની માહિતી મિડિયા રિપોર્ટથી મળી હતી. એક મુસાફર ટોઇલેટ શોધતો-શોધતો કોકપિટના પ્રવેશ વિસ્તારમાં પહોંચી ગયો. અમે લોકોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે વિમાનમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ ખામી થઈ નથી. લેન્ડિંગ સમયે અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી અને હાલ તેની તપાસ ચાલી રહી છે.

હજુ સુધી આ ખબર પડી નથી કે મુસાફરે કોકપિટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કેમ કર્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1086 સવારે 8 વાગ્યા પછી બેંગલુરુથી ઉડાન ભરી હતી. વિમાન વારાણસી પહોંચ્યા બાદ આરોપી મુસાફરોને CISFના જવાનોને સોંપી દેવામાં આવ્યા હતા.

હાઈજેકની શંકાથી પાયલોટે ન ખોલ્યો દરવાજો

એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાન ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં મુસાફરે કોકપિટમાં જવા માટે બનેલી કેબિનનો ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કોકપિટ ખોલવા માટે પાસકોડ દાખલ કરતાંની સાથે જ પાયલોટ સુધી તેનું સિગ્નલ પહોંચ્યું હતું. જ્યારે પાયલોટે CCTV જોયું ત્યારે હાઈજેકની શંકાથી તેણે દરવાજો ન ખોલ્યો. આ મુદ્દે પણ સવાલો ઊઠવા લાગ્યા કે આખરે આ મુસાફરને કોકપિટનો પાસકોડ કેવી રીતે ખબર પડ્યો?