નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સીઝનમાં ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. GSTમાં કટોકટી, જેન ઝેડ શોપર્સ અને હાઈ-વેલ્યુ ખરીદીને કારણે આ સીઝન અત્યાર સુધીનો સૌથી મોટો ફેસ્ટિવલ સીઝન બનવાની તૈયારીમાં છે.
ઓનલાઈન ફેસ્ટિવલ સીઝનની સેલ પહેલા અઠવાડિયામાં રૂ. 60,700 કરોડ સુધી પહોંચી, જે વર્ષ-દર-વર્ષ 29 ટકાનો વધારો થયો છે. આ વર્ષે કુલ ફેસ્ટિવલ સેલ રૂ. 1.2 લાખ કરોડને પાર કરી જશે, જેમાંથી અડધાથી વધુ વેચાણ પહેલા સપ્તાહે જ થઈ જશે. એની તુલનામાં ગયા વર્ષે આશરે રૂ. એક લાખ કરોડ અને 2023માં રૂ. 81,000 કરોડનું વેચાણ થયું હતું, એમ માર્કેટ રિપોર્ટ કહે છે.
દેશમાં 22થી 28 સપ્ટેમ્બર વચ્ચે નોંધાયેલા રૂ. 60,700 કરોડના વેચાણમાં મોબાઈલનો દબદબો રહ્યો છે, આ સાથે એપ્લાયન્સિસ અને ગ્રોસરી સૌથી ઝડપથી વધતી કેટેગરીઝ રહી, જેમાં વર્ષ-દર-વર્ષ ક્રમશઃ 41 ટકા અને 44 ટકાની વૃદ્ધિ થઈ હતી.

એપ્લાયન્સિસની સેલને GST 2.0ના સુધારાથી લાભ મળ્યો, જેને કારણે મોટા માલના ભાવ ઘટ્યા. જ્યારે ગ્રોસરીને ઝડપી વેપાર અને તહેવારી ગિફ્ટિંગની માગનો ફાયદો થયો. ઉપરાંત, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમવેર કેટેગરીઝે પણ સારો ડબલ-ડિજિટ ગ્રોથ નોંધાવ્યો ઠે.
ફ્લિપકાર્ટના ગ્રોથ અને માર્કેટિંગ વાઈસ પ્રેસિડેન્ટ પ્રતિક શેટ્ટીએ જણાવ્યું હતું કે આ વેચાણમાં ઉછાળાનું એક મહત્વપૂર્ણ કારણ GST 2.0 સુધારા છે. જેમણે હાઈ-વેલ્યુ કેટેગરીઝમાં માગને પ્રોત્સાહિત કરી છે.
એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સોરભ શ્રીવાસ્તવએ કહ્યું હતું કે #GST બચત ઉત્સવ પહેલને ગ્રાહકોએ ખૂબ પસંદ કરી છે. માત્ર 48 કલાકમાં વેચાણકર્તાઓએ કરોડો રૂપિયાના GST લાભ ગ્રાહકોને પહોંચાડ્યા છે. તેમણે ઉમેર્યું કે કંપનીએ અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરી નોંધાવી, જેમાં બે દિવસમાં 80 લાખથી વધુ પ્રોડક્ટ્સ પ્રાઇમ સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યાં છે.


