લખનૌઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હિન્દુઓને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના મુઝફ્ફરનગરના મન્સૂરપુર વિસ્તારની છે. SSP સંજય કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે મન્સૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જડૌદા ગામમાં હિંદુવાદી સંગઠનોની ફરિયાદને આધારે પોલીસે શનિવારે એક સ્થળે દરોડા પાડ્યા હતા. ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રણ ધાર્મિક પુસ્તકો અને છ મોબાઇલ ફોન જપ્ત
SSPએ જણાવ્યું હતું કે આ સભામાં લોકોને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ આરોપ હેઠળ પાંચ મહિલાઓ સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ત્રણ ડાયરી, ત્રણ ધાર્મિક પુસ્તકો અને છ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસે ‘ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, 2021’ હેઠળ 14 લોકો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સભા માટે સ્થળ ઉપલબ્ધ કરાવનારા રાશિદ અને મોનીસ નામના બે લોકો ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

મૌલાના અને તેના પુત્ર સામે પણ FIR
SSPએ જણાવ્યું હતું કે અન્ય એક ઘટનામાં પોલીસે શનિવારે જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલાત ગામમાં હિન્દુઓનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવાના આરોપસર મદરેસા દારુલ ઉલૂમ રહિમાના પ્રભારી મૌલાના હિફ્જુર્રહમાન અને તેના પુત્ર જુબૈર અન્સારી સામે પણ ગુનો નોંધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બંને આરોપીઓ હાલ ફરાર છે અને તેમની ધરપકડ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બંને મુઝફ્ફરનગર જિલ્લાના ફુલાત ગામમાં હિન્દુઓનું ઇસ્લામ ધર્મમાં ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.



