AAP નેતા લકી ઓબેરોયની ધોળેદહાડે ગોળી મારીને હત્યા

જાલંધરઃ પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોડલ ટાઉન સ્થિત ગુરુદ્વારા સાહિબ બહાર ઓબેરોય પર અનેક ગોળીઓ ચલાવવામાં આવી. તે સમયે તેઓ પોતાની કારમાં બેઠા હતા. તેમને પાંચ ગોળીઓ વાગી હતી. ત્યાર બાદ તેમને તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ઓબેરોય ગુરુદ્વારા બહાર પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરો દ્વિચક્રી વાહન પર આવી પહોંચ્યા અને તેમના પર ગોળીબાર કર્યો. આ ઘટના પછી પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી. માહિતી મળતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે.

લકી ઓબેરોયની પત્નીએ અગાઉ નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયાં હતાં.

પ્રતાપ સિંહ બાજવાએ પંજાબ સરકારની ટીકા કરી

પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ જાલંધરમાં ઓબેરોયની ધોળેદહાડે થયેલી હત્યા બાદ રાજ્ય સરકારની આકરી ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય મંત્રી ભગવંત માનના શાસનમાં પંજાબની કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.

તેમણે X પર પોસ્ટમાં લખ્યું કે ભગવંત માનના શાસનમાં પંજાબની કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. જાલંધરના એક ગુરુદ્વારા બહાર AAP નેતા લકી ઓબેરોયની ધોળદહાડે હત્યાએ ભયાનક હકીકત ઉજાગર કરી છે: જો સત્તાધારી પક્ષના નેતાઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકો માટે શું આશા બાકી રહે છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે પંજાબમાં ડર, ગેંગ હિંસા અને વહીવટી ઠપકો છવાયેલો છે, જ્યારે AAP સરકાર જનસંપર્ક અને બહાનાબાજીમાં વ્યસ્ત છે. મુખ્ય મંત્રી ભગવંત માનને જવાબ આપવો પડશે કે આ સમગ્ર વ્યવસ્થાના બગાડ માટે કોણ જવાબદાર છે?