આપ કોર્પોરેટરના ઘરમાં આગ, 17 વર્ષીય પુત્રનું મોત

સુરત: મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આપ કોર્પોરેટર જીતુભાઈ કાછડીયાના પુત્રનું મોત નીપજ્યું છે. જીતુભાઈ આનંદધારા સોસાયટીમાં બે માળના બંગલામાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. ગુરૂવારે રાત્રે ઘરમાં અચાનક આગ લાગી હતી. મોડી રાતે ૨ વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ લાગી હતી. જે બીજા માળ સુધી પ્રસરતા બીજા માળે સુતેલા પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. આગ લાગી ત્યારે મકાનમાં ૭ સભ્યો હતા. જેમાંથી પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો.

જ્યારે બેડરૂમમાં પ્રિન્સ ઘુમાડામાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આ દરમ્યાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રિન્સને મૃત જાહેર કર્યો હતો.

જીતુભાઈને પરિવારમાં બે દીકરા. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધામાં છે. જ્યારે નાનો દીકરો ૧૭ વર્ષીય પ્રિન્સ ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ હાલ ધોરણ ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હાલ પરિવાર દુર્ઘટનાના કારણે શોકમાં ગરકાવ થઈ ગયો છે.

અરવિંદ ગોંડલિયા (સુરત)