‘મહિલા પેન્શન યોજના’માં રૂ. 200 કરોડના કૌભાંડનો AAP પર આરોપ

નવી દિલ્હી: દિલ્હીમાં સત્તામાં રહેલા ભાજપે કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) પર ‘મહિલા પેન્શન યોજના’માં રૂ. 200 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે લોકો ઈચ્છે છે કે CM રેખા ગુપ્તાની સરકાર દિલ્હીમાં અગાઉની કેજરીવાલ સરકારમાં થયેલા આ પેન્શન યોજના સાથે જોડાયેલા કથિત “કૌભાંડની” તપાસનો આદેશ આપે.

AAPએ આ આરોપનો જવાબ આપતાં દાવો કર્યો કે દિલ્હીમાં સત્તામાં આવેલો ભાજપ જનતા માટેની તમામ કલ્યાણકારી યોજનાઓ બંધ કરવા માગે છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દાવો કર્યો હતો કે હાલના નિષ્કર્ષ મુજબ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા 83,000થી વધુ મહિલા લાભાર્થીઓ “બોગસ” અથવા “શંકાસ્પદ” છે અને આ કૌભાંડ દર વર્ષે રૂ. 200 કરોડનું છે.

સચદેવાને કહ્યું હતું કે દિલ્હીવાસીઓ હવે ઈચ્છે છે કે રેખા ગુપ્તાના નેતૃત્વમાં હાલની સરકાર આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરે. આ યોજના 18 વર્ષથી વધુ ઉંમરની એવી વિધવા, છૂટાછેડા લીધેલી, અલગ રહેતી, ત્યક્તા અથવા નિરાશ્રિત મહિલાઓ માટે છે જેમની પાસે જીવનનિર્વાહ માટે પૂરતાં સાધનો નથી અને જે ગરીબ અને નબળી વર્ગની ગણાય છે. આ યોજના અંતર્ગત આ મહિલાઓને સીધા તેમના ખાતામાં દર મહિને રૂ. 2500ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.

દિલ્હી ભાજપ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ગયા વર્ષે કેટલાક ભાજપ વિધાનસભ્યો અને મીડિયા પોર્ટલ્સે પેન્શનના વિતરણમાં અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તપાસની માગ કરી હતી. યોગ્ય મંજૂરી બાદ ઓક્ટોબર, 2024માં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તત્કાલીન સરકારે ફેબ્રુઆરી સુધી તપાસ પ્રગતિ રોકી દીધી હતી. ઉપલબ્ધ આંકડા મુજબ આ પેન્શન યોજના માટે કુલ 3,81,539 મહિલાઓની નોંધણી કરાઈ હતી.

આ નિવેદન મુજબ તપાસમાં 60,000થી વધુ બોગસ નોંધણી સંબંધિત અનિયમિતતાઓ માલૂમ પડી હતી. આ ઉપરાંત, 22,795 કેસોમાં અન્ય વિસંગતિઓ જોવા મળી હતી. 60,573 કેસોમાં તપાસકર્તાઓએ જણાયું હતું કે મહિલાઓ પોતાના નોંધાયેલા સરનામે મળી નહોતી કે પછી તેમની પાસે નિવાસનો કોઈ પુરાવો નહોતો. ઘણા કેસોમાં સરનામાં “બનાવટી” હતાં.