પદ્મશ્રી ગાયક પંકજ ઉધાસની યાદમાં રાજધાનીમાં સંગીત મહેફિલ

નવી દિલ્હી: ગુજરાતના સંગીત ગૌરવ સમાન એવા પદ્મશ્રીથી સન્માનિત ગાયક સ્વ. પંકજ ઉધાસની સ્મૃતિમાં એક ભવ્ય સંગીતમય કાર્યક્રમ રાજધાનીમાં યોજાયો. રવિવારની સાંજે શાહ ઓડિટોરિયમમાં “પંકજ ઉધાસના ગાયનમાં જીવનની ફિલસૂફી” શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમને માણતાં શ્રોતાજનો મંત્રમુગ્ધ થયા હતા.

આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના નોલેજ પાર્ટનર નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (શિક્ષણ મંત્રાલય હેઠળ પ્રકાશન સંસ્થા)ના ડાયરેક્ટર યુવરાજ મલિક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું, “પંકજ ઉધાસની ગઝલો આંખોં બંધ રાખીને સાંભળીએ તો એમની આંખો બોલતી દેખાશે. તેમણે જણાવ્યું કે ગઝલ ગાયકનો સ્વર ભારેખમ હોવો જોઈએ એ માન્યતાનું પંકજ ઉધાસે ખંડન કર્યું અને ગઝલ તથા ફિલ્મ ગીતમાં તેઓ સમાંતરે સફળ થયા.”

સીનેસંગીત ઇતિહાસકાર રાજીવ શ્રીવાસ્તવે પંકજ ઉધાસની જીવનકવન યાત્રાનો સુપેરે પરિચય આપ્યો. મંચ સંચાલન ડો. રચના વિમલે કર્યુ હતું. નવોદિત ગાયક મૃદંગ પટેલ, યોગેશ કુમાર અને પ્રતિભાવાન ગાયિકા અનુશ્રીએ સુંદર ગીતો રજૂ કર્યાં.

નેશનલ બુક ટ્રસ્ટના ગુજરાતી સંપાદક ભાગ્યેન્દ્ર પટેલે કહ્યું, “પંકજ ઉધાસની ગાયેલી કોઈપણ રચનામાં સહજતા, માધુર્ય અને સાંદર્ય મળે જ છે. પણ એમાં ઊંડાણમાં જીવનની કોઈ ને કોઈ ફિલસૂફી પણ અનુભવાય છે. તેમણે પંકજ ઉધાસની કેટલીક ગઝલો પણ રજૂ કરી હતી.”

આ પ્રસંગે હિતેશ અંબાણી, વિરાટ શાહ, કૌશિક પંડ્યા, નીતિન આચાર્ય, શિલ્પા મહેતા, નૃત્યગુરુ મીનુ ઠાકુર, ચિત્રકાર શૈલેષ સંઘવી, ક્ષમા સંઘવી વગેરે દિલ્હીવાસી અગ્રણી ગુજરાતીઓ અને હિન્દી કલા-સંસ્કૃતિના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન વાંસદા પાસેના ભીનાર ગામનાં વતની અને ત્રણ દાયકાથી દિલ્હી નિવાસી લતા ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્ર, ભારત ભારતી ગુજરાતી (દિલ્લી પ્રાંત) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સહકાર મળ્યો હતો.