કોંગ્રેસ નેતાએ ભગવાન રામ સાથે રાહુલ ગાંધીની કરી સરખામણી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા નાના પટોલેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરીને રાજકીય ચર્ચા જગાવી દીધી છે. પટોલેની આ ટિપ્પણી બાદ ભાજપે સમય ગુમાવ્યા વિના તેને ‘ચાપલૂસી પ્રો મેક્સ’ ગણાવીને કોંગ્રેસ નેતા પર આકરો પ્રહાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની મુલાકાત રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી લીધી, એ પ્રશ્નના જવાબમાં પટોલેએ કહ્યું હતું કે સિનિયર કોંગ્રેસ નેતા ભગવાન રામનું જ કાર્ય કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભગવાન રામનું કાર્ય પીડિત અને વંચિત લોકોને ન્યાય અપાવવાનું હતું અને રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી રામ મંદિરમાં ફોટો સેશન કરવા કરતાં આવી સેવા કરવાનું પસંદ કરે છે. કોંગ્રેસ નેતાએ પરોક્ષ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં યાદ અપાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું તાળું ખુલાવવાની પ્રક્રિયા પાછળ રાહુલના પિતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો હાથ હતો.

અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની મુલાકાત રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી લીધી તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે જુઓ, રાહુલ ગાંધી ભગવાન શ્રીરામનું કામ કરી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રીરામનું કામ પીડિત અને વંચિત લોકોને ન્યાય અપાવવાનું હતું. રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે. રાહુલ ગાંધી રામ મંદિરમાં ફોટો સેશન કરવા કરતાં આ સેવા કરવાનું પસંદ કરે છે. ત્યાંનું તાળું ખોલવાની પાછળ રાજીવજીનો હાથ હતો.

ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ ‘ચાપલૂસી પ્રો મેક્સ’ બતાવી છે. કોંગ્રેસ પાર્ટી કહે છે કે રાહુલ ગાંધી ભગવાન રામ જેવા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીના કારણે ક્રિસમસ ઊજવી શકાય છે. આ કઈ જાતની ચાપલૂસી છે? અને પછી તમે હિન્દુ આસ્થાનું અપમાન કરો છો?