EC હેડ ક્વાર્ટર સુધી 300 વિરોધી સાંસદોનું માર્ચ કરવાનું એલાન

નવી દિલ્હીઃ દેશના 25 વિરોધી પક્ષોના 300થી વધુ સાંસદો સોમવારે સંસદથી રાષ્ટ્રીય રાજધાની સ્થિત ભારતીય ચૂંટણી પંચ (ECI)ના મુખ્યાલય સુધી માર્ચ કાઢશે. આ માર્ચ 2024ની લોકસભા ચૂંટણીમાં કથિત “મતચોરી” અને ચૂંટણી રાજ્ય બિહારની મતદાર યાદીના ચાલી રહેલા ખાસ ગહન પુનરીક્ષણ (SIR)ના વિરોધમાં હશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), આમ આદમી પાર્ટી, વામપંથી પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર), શિવસેના (યુબીટી) અને નેશનલ કોન્ફરન્સ સહિતના અનેક પક્ષો આ રેલીમાં જોડાશે તેવી અપેક્ષા છે. આ રેલી સવારે 11:30 વાગ્યે સંસદના મકર દ્વારથી શરૂ થશે.

પોલીસની કડક સુરક્ષાદિલ્હી પોલીસ દ્વારા બે કિ.મી.થી પણ ઓછી અંતરે આવેલા ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કરવાની મંજૂરી આપવાની શક્યતા ઓછી છે. પોલીસે જણાવ્યું છે કે માર્ચની મંજૂરી માટે કોઈ ઔપચારિક વિનંતી કરવામાં આવી નથી. આ વચ્ચે પોલીસે ચૂંટણી પંચના મકાન બહાર કડક સુરક્ષા ગોઠવીને બેરિકેડ લગાવ્યા છે.

જયરામ રમેશને પત્ર

બીજી તરફ, ચૂંટણી પંચના સચિવાલયે કોંગ્રેસ સાંસદ જયરામ રમેશને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે ચૂંટણી પંચે આજે બપોરે 12:00 વાગ્યે વાતચીત માટે સમય આપ્યો છે. સ્થળની મર્યાદાને કારણે મહત્તમ 30 વ્યક્તિઓનાં નામ આપવાની વિનંતી કરવામાં આવી છે. હજી સુધી કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

કોંગ્રેસની એક જાહેરખબરમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધી પક્ષોના (લોકસભા અને રાજ્યસભા) સાંસદો 11 ઓગસ્ટ, 2025એ સવારે 11:30 વાગ્યે સંસદભવનના મકર દ્વારથી પરિવહન ભવન થઈને ચૂંટણી સદન, નવી દિલ્હી સુધી માર્ચ કરશે. ‘ઇન્ડિયા બ્લોક’ દ્વારા બોલાવવામાં આવેલા આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીને સામેલ કરવા માટે ગઠબંધનના બેનર વગર યોજાશે, કારણ કે તે ગયા મહિને ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ હતી, છતાં સંસદમાં તેના 12 સાંસદો છે.થોડા દિવસો પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધનના ટોચના નેતાઓએ એકતા દર્શાવવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને રાત્રિભોજન સાથે બેઠક કરી હતી અને બિહારમાં મતદાર યાદીના ગહન પુનરીક્ષણ, કથિત મતચોરીના વિરોધમાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.