ભ્રષ્ટાચાર મામલે ઇમરાન ખાન દંપતીને 17 વર્ષની જેલસજા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને મોટો આંચકો લાગ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં પતિ-પત્ની બંનેને 17-17 વર્ષની જેલ સજા ફટકારી છે.

કોર્ટે આ મામલે ઇમરાન ખાન અને બુશરા બીબીને દોષી જાહેર કર્યા છે. સ્થાનિક મિડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસ વર્ષ 2021 સાથે સંકળાયેલો છે. તે સમયે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ દ્વારા ઇમરાન ખાનને એક અત્યંત કીમતી જ્વેલરી સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ દાગીનાની વાસ્તવિક કિંમત 7.15 કરોડ પાકિસ્તાની રૂપિયા કરતાં વધુ હતી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરીને તેને માત્ર 58 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

કોર્ટે આ મામલાને છેતરપિંડી અને ભ્રષ્ટ આચરણનું ગંભીર ઉદાહરણ ગણાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે ઇમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષની અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ વધારાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે જ રીતે બુશરા બીબીને પણ એ જ કલમો હેઠળ દોષી ઠેરવી કુલ 17 વર્ષની જેલ સજા સંભળાવવામાં આવી છે.

આ ઉપરાંત  કોર્ટે પતિ-પત્ની બંને પર 1.64 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ચૂકવવામાં નહીં આવે, તો તેમને વધારાની જેલ સજા પણ ભોગવવી પડશે. ઇમરાન ખાન માટે આ ચુકાદો ખાસ કરીને મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ પહેલેથી જ અનેક અન્ય કેસોમાં જેલમાં બંધ છે. આ વર્ષની શરૂઆતમાં અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પણ ઇમરાન ખાનને 14 વર્ષની અને બુશરા બીબીને 7 વર્ષની જેલ સજા થઈ ચૂકી છે.