આજથી સંસદનું શિયાળુ સત્ર, વિપક્ષની ‘SIR’ મુદ્દે હોબાળાની શક્યતા

નવી દિલ્હી: વિરોધ પક્ષોએ રવિવારે 1 ડિસેમ્બરથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્ર અગાઉ સર્વ પક્ષીય બેઠકમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ ચર્ચા કરાવવાની માગ કરી હતી. સરકારે જણાવ્યું છે કે તે સંસદને સરળતાથી ચલાવવા માટે તમામ સાથે વાત કરશે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં 15 દિવસ જ કાર્ય થશે. સંસદનાં ઇતિહાસમાં આ સૌથી નાનું સત્ર હશે. મોદી સરકારે આ સત્ર માટે 14 બિલ લિસ્ટેડ કર્યા છે.સત્ર અગાઉ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં 36 રાજકીય પક્ષોનાં 50થી વધુ નેતાઓ હાજર રહ્યાં હતાં. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડા, સંસદીય બાબતોનાં પ્રધાન કિરેન રિજિજુ અને  રાજય કક્ષાનાં સંસદીય બાબતોનાં પ્રધાનો અર્જુન રામ મેઘવાલ અને એલ મુરુગન હાજર રહ્યાં હતાં. બેઠકમાં SIRનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વિરોધ પક્ષનાં નેતાઓએ દિલ્હી વિસ્ફોટ પછી રાષ્ટ્રીય સુરક્ષા અને લેબર કોડ જેવા બીજા કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતાં.

બેઠકમાં કેટલાક લોકોએ ફેડરલિઝમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે ગવર્નર રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને રોકે છે અને વિપક્ષી શાસનવાળા રાજ્યોનાં ફંડ પણ રોકવામાં આવી રહ્યાં છે. વિપક્ષોએ સરકારને ધમકી આપી છે કે જો એસઆઇઆર મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવામાં નહીં આવે તો તે સંસદનાં બંને ગૃહોની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરશે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર વિજય મળ્યા પછી સત્તાધારી એનડીએ પોતાના સુધારાઓને આગળ વધારતા 14 કાયદા લાવી શકે છે.