મુરલીધરનની બાયોપિક ફિલ્મ ‘800’નું ટ્રેલર રિલીઝ કરાયું

શ્રીલંકાના ભૂતપૂર્વ, મહાન અને વિશ્વ વિક્રમસર્જક ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરનના જીવન સંઘર્ષ પરથી બનાવવામાં આવેલી ફિલ્મ ‘800 ધ મૂવી’ના તમિલ અને હિન્દીભાષી ટ્રેલરને 5 સપ્ટેમ્બર, મંગળવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મનાં મુરલીધરન એમના પત્ની મધીમલાર સાથે, તેમજ ફિલ્મનાં કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ભૂતપૂર્વ ‘માસ્ટર બ્લાસ્ટર’ બેટર ‘ભારત રત્ન’ સમ્માનિત સચીન તેંડુલકર માનનીય અતિથિ તરીકે અને શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ આવતી 6 ઓક્ટોબરે રિલીઝ થશે.

51 વર્ષીય મુરલીધરન જન્મથી શ્રીલંકાના નાગરિક છે અને તમિલભાષી હિન્દુ છે. એમના લગ્ન ભારતના ચેન્નાઈની યુવતી મધીમલાર રામમૂર્તિ સાથે થયા છે. ફિલ્મમાં મુરલીધરનના વ્યાવસાયિક અને અંગત જીવન વિશે જણાવવામાં આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં એમણે 800 વિકેટ ઝડપી હોવાથી ફિલ્મનું ટાઈટલ ‘800 ધ મૂવી’ રાખવામાં આવ્યું છે.

મુરલીએ વન-ડે ક્રિકેટમાં 534 અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1,374 વિકેટ ઝડપી હતી. મુરલીધરને 2011ની 3 એપ્રિલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી.

‘800 ધ મૂવી’ તમિલ ફિલ્મ છે. તેના પટકથા લેખક અને દિગ્દર્શક એમ.એસ. શ્રીપતિ છે. ફિલ્મમાં મુરલીધરનનો રોલ મધુર મિત્તલે ભજવ્યો છે. અન્ય કલાકારો તરીકે જાણીતા મલયાલમ અભિનેતા નાસર, મહિમા નામ્બિયાર, નારાયણ, રિત્વિકા છે.

ટ્રેલરના અંતે મુરલીધરનને ભાવુક કરી દે એવો ડાયલોગ બોલતો બતાવવામાં આવ્યો છે. એને પૂછવામાં આવે છે કે ‘શ્રીલંકાની ટીમમાં તમિલ છોકરાઓને સામેલ કરવામાં આવતા નથી.’ જવાબમાં મુરલી કહે છે, હું પોતાને માત્ર તમિલ માનતો નથી. તો બીજો સવાલ કરાયો, ‘તો શું તું સિંહાલી છો?’ મુરલીનો જવાબઃ ‘ના, હું ક્રિકેટર છું.’

મુરલીધરનનો પરિવાર મૂળ ભારતીય હોવાથી એમને ભારત આવવા માટે વિઝાની જરૂર પડતી નથી. એમના દાદા પેરિયાસામી સિનાસામી દક્ષિણ ભારતના વતની હતા. ભારત સરકારે મુરલીધરનને ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) દરજ્જો આપ્યો છે.

ફિલ્મમાં મુરલીધરનનો રોલ ભજવનાર મધુર મિત્તલ

(ડાબેથી જમણે) સનથ જયસૂર્યા, સચીન તેંડુલકર અને મુરલીધરન

મુરલીધરન એમના પત્ની મધીમલાર સાથે

(તસવીરકારઃ દીપક ધુરી)