વાનખેડે સ્ટેડિયમમાં સચીન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ

ક્રિકેટજગતમાં ભારતનું નામ રોશન કરનાર, અનેકના આદર્શ ગણાતા, ભૂતપૂર્વ ક્રિકેટર ભારત રત્ન સમ્માનિત સચીન તેંડુલકરની પૂર્ણ કદની, એક્શન-સહ પ્રતિમાનું 1 નવેમ્બર, બુધવારે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ‘માસ્ટર બ્લાસ્ટર’ તેંડુલકર સાથે એમના પત્ની અંજલિ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહ, બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લા, એનસીપી પાર્ટીના વડા શરદ પવાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાળે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બર, ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની રાઉન્ડ રોબિન લીગ મેચ રમાવાની છે.

સચીન તેંડુલકર એમની પ્રથમ રણજી ટ્રોફી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા હતા અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આખરી મેચ પણ આ જ મેદાન પર રમ્યા હતા.

મુંબઈ ક્રિકેટ એસોસિએશન વતી તેંડુલકરના સમ્માનાર્થે એમની આ પ્રતિમા સ્ટેડિયમમાં મૂકવામાં આવી છે.

આ પ્રતિમા 22 ફૂટ ઊંચી છે. આ મૂર્તિ મહારાષ્ટ્રના અહમદનગરસ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂર્તિકાર પ્રમોદ કાંબળેએ બનાવી છે. પ્રતિમા માટે તેંડુલકર જેને માટે સુપ્રસિદ્ધ થયા છે તે એમના કવર-ડ્રાઈવ ફટકાનો પોઝ પસંદ કરવામાં આવ્યો છે.