કોરોના-પ્રતિરોધક નિયમોના પાલન વચ્ચે મુંબઈમાં દોઢ વર્ષે શાળાઓ ફરી શરૂ…

મુંબઈ મહાનગર તથા પડોશના નવી મુંબઈ શહેર, થાણે અને પાલઘર જિલ્લાઓમાં કોરોનાવાઈરસ મહાબીમારીનું જોર ઓછું થતાં 4 ઓક્ટોબર, સોમવારથી શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. કોરોના-પ્રતિરોધક નિયમો, નિયંત્રણોના પાલન સાથે 8-12 ધોરણોનાં વર્ગોમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું ફરી શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રોગચાળાને કારણે 18-મહિના બાદ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. યૂનિફોર્મમાં સજ્જ થઈને અને મોઢા પર માસ્ક પહેરીને આવેલાં વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાઓમાં સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાઓમાં અન્ય ધોરણોનાં વર્ગો ક્યારથી શરૂ કરવા તેનો નિર્ણય સત્તાવાળાઓ નવેમ્બરમાં લેશે. આ તસવીરો મુંબઈના બોરીવલી (વેસ્ટ) ઉપનગરની ફેક્ટરી લેનની બોરીવલી એજ્યૂકેશન સોસાયટીની આર.સી. પટેલ હાઈસ્કૂલની છે. (તસવીરોઃ દીપક ધુરી)