IPLમાં ચોથા સ્થાન માટે ચાર-ટીમો વચ્ચે રસપ્રદ ટક્કર

નવી દિલ્હીઃ IPL 2021માં અત્યાર સુધી 49 લીગ મેચો થઈ ચૂકી છે અને સાત મેચો રમાવાની બાકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાં બહાર થઈ ચૂકી છે, પણ ખરેખરી લડાઈ ચોથા સ્થાન માટે છે. જેમાં ચાર ટીમો –કોલકાતા, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સામેલ છે.

કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈ કાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે હરાવી હતી. આ જીત પછી કોલકાતાની સ્થિતિ ચોથા સ્થાન પર મજબૂત થઈ ગઈ છે. જોકે કોલકાતાએ હજી બે મેચ-મુંબઈ અને રાજસ્થાન સામે એક-એક મેચો રમાવાની છે. જોકે ઇયોન મોર્ગનની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે જીતીને પ્લેઓફમાં જગ્યા પાકી કરી શકે છે, કેમ કે કોલકાતાનો નેટ રન રેટ (+0.294) ઘણો સારો છે.

બીજી બાજું મુંબઈ ઇન્ડિયન્સ 12 મેચમાંથી પાંચ મેચ જીતી ચૂકી છે અને સાત હારી ચૂકી છે. એનો  નેટ રન રેટ (-) 0.453 છે. મુંબઈએ કોઈ પણ ભોગે બાકીની બે મેચો જીતે તો એના પણ 14 પોઇન્ટ થઈ શકે છે. જોકે મુંબઈએ કોલકાતા રાજસ્થાન સામે હારી જાય એવી પ્રાર્થના કરવી પડશે.  જોકે રાજસ્થાન એની બાકીની બંને મેચો જીતી જશે તો એના પણ 14 પોઇન્ટ થશે અને એ પણ પ્લેઓફમાં પહોંચી જાય એવી શક્યતા છે.