અમિત શાહે કશ્મીરમાં માતા ખીર ભવાની મંદિરમાં દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના પ્રવાસે ગયા છે. 25 ઓક્ટોબર, સોમવારે સવારે એ ગંડેરબલ જિલ્લાના તુલ્લામુલ્લા નગરમાં આવેલા માતા ખીર ભવાની મંદિરે દર્શન કરવા ગયા હતા. એમની સાથે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હતા. ટ્વિટર પર અમિત શાહે મંદિર-મુલાકાતની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, માતાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દેશભરના કશ્મીરી પંડિત ભાઈ-બહેનોની આસ્થાનું આ એક અતૂટ કેન્દ્ર છે, જે સમગ્ર દેશને પ્રેરણા આપે છે. આ પવિત્ર સ્થળમાં એવી અદ્દભુત શક્તિ છે જેની અનુભૂતિ અહીં આવીને જ થઈ શકે છે.

અમિત શાહે શ્રીનગર શહેરમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો તથા જનસભાને સંબોધિત પણ કરી હતી.

શ્રીનગરમાં અમિત શાહ સૂફી સંતોને મળ્યા હતા અને કશ્મીરમાં શાંતિ તથા સહઅસ્તિત્વને પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક ચર્ચા કરી હતી.