ઉત્તમોનો સંગ કરવાથી થતી ઉત્તમ પ્રાપ્તિ

“જે મનુષ્યો નીચનો સંગ છોડીને ઉત્તમોનો સંગ કરે છે, તેઓ સમસ્ત વ્યવહારોની સિદ્ધિથી ઐશ્વર્યવાન બની જાય છે. જે આળસ છોડીને સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે તે સુખને તથા જે આળસુ છે તે દરિદ્રતાને પ્રાપ્ત કરે છે.” યજુર્વેદના સ્કંધ 30ની 17મી સંહિતાનો આ ભાવાર્થ છે. આ સંપૂર્ણ સંહિતાને આપણે એક વાર્તા દ્વારા સમજીએ. થોડાં વર્ષો પહેલાં કોલકાતા જતી વખતે ફ્લાઇટમાં મેં આ વાર્તા વાંચી હતી. તેનો સાર આ પ્રમાણે છેઃ

એક મહિલાનો પતિ દારૂડિયો હતો. આથી તેણે ઘર ચલાવવા માટે પ્રાઇવેટ ટ્યુશન આપવાનું શરૂ કર્યું. તેની કિશોર વયની દીકરી તેને વિનવીને કહી રહી હતી કે એ જ્યારે ટ્યુશન કરાવવા જાય ત્યારે તેને સાથે લઈ જાય. તેનું કારણ એ હતું કે ઘરમાં તેના પિતા હોય ત્યારે તેમના મિત્રો આવતા અને તેઓ સાથે મળીને દારૂ પીતા. આવામાં તેને ઘરમાં ઘણો જ ડર લાગતો. પિતા કોઈ કામકાજ કરતો નહીં હોવાથી એ હંમેશાં ઘરમાં જ રહેતો અને મમ્મીએ ટ્યુશન માટે નાછૂટકે બહાર જવું પડતું.

એ દારૂડિયાને જુગારની પણ લત હતી. તેને મનમાં આવે તો ઘરની બહાર જાય, નહીંતર આખો દિવસ ઘરમાં જ પડ્યો-પાથર્યો રહે. તેની આ કુટેવને લીધે પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. તેની પત્નીએ બધાં ઘરેણાં વેચી દેવાં પડ્યાં હતાં. હવે તેમની પાસે રહેવાના આ ઘર સિવાય બીજું કંઈ બાકી રહ્યું ન હતું.

આ માણસને દારૂની આદત પડી તેની પહેલાં એ ઘણો જ સારો ગાયક હતો. તેનો અવાજ એટલો સુમધુર હતો કે કાર્યક્રમના આયોજકો તેના ઘરની બહાર જાણે લાઈન લગાડતા. તેણે ખરાબ સંગતમાં દારૂ પીવાનું ચાલુ કર્યું અને પછી તેનું વ્યસન લાગી ગયું. એક સમયના તેના ફૅન હવે ફ્રેન્ડ બની ગયા હતા. તેઓ તેની ખુશામત કરતા, કારણકે તેમનો ઇરાદો તેના પૈસે દારૂ પીને મોજમજા કરવાનો હતો. થોડા જ વખતમાં એ કલાકારનું ગાયન કથળી ગયું અને સમય જતાં એ ઐયાશ અને પ્રમાદી બની ગયો.

તેની દીકરી જ્યારે મમ્મીને વિનંતી કરી રહી હતી ત્યારે એ બધું સાંભળી રહ્યો હતો. દીકરીની વાતો સાંભળીને એ હચમચી ગયો. પોતાની હાજરીમાં દીકરીને અસલામતી લાગે એ જાણીને તેને એટલો આઘાત લાગ્યો કે એ રાતે તેણે મિત્રો સાથે બહાર જવાનું માંડી વાળ્યું. બીજા દિવસે સવારે તેણે પત્નીને વાત કરી અને પોતાને આ બદીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા વિનંતી કરી.

પત્નીને પહેલાં તો તેની વાત પર વિશ્વાસ બેઠો નહીં, કારણકે અગાઉ પણ દારૂના નશામાં એ આવું અનેક વાર બોલી ગયો હતો. જોકે, તેણે મા-દીકરીની વાત સાંભળ્યા વિશે કહ્યું ત્યારે પત્નીને વિશ્વાસ બેઠો. પતિએ દારૂની કુટેવ છોડાવવા માટે કોઈ સંસ્થામાં લઈ જવાની વિનંતી કરી. તેની પત્ની આ વાત સાંભળીને ઘણી રાજી થઈ. તેના મનમાં ઊંડે-ઊંડે થોડી શંકા હતી, પરંતુ પ્રયત્ન કરવામાં ક્યાં કંઈ જાય છે એવું વિચારીને તેણે પતિને લત છોડાવવા માટે એક સંસ્થામાં લઈ જવાનું નક્કી કર્યું.

છ મહિનાની જહેમત બાદ એ કલાકાર દારૂની જંજાળમાંથી છૂટ્યો. એકાદ વર્ષમાં તો એ એકદમ નોર્મલ થઈ ગયો. હવે તેને કામ કરવું હતું, પરંતુ ક્યાંય કોઈ કામ આપતું ન હતું. તેણે બીજા સાત-આઠ મહિના સુધી પ્રયાસ કર્યો. એક દિવસ તેની મુલાકાત એવા સજ્જન સાથે થઈ જેઓ ખરેખર તેના ગાયનના ચાહક હતા. તેમણે પોતાની રેસ્ટોરાંમાં આ માણસને ગાયક તરીકે નોકરી આપી. થોડા મહિનાઓ પછી બીજા એક ચાહકનાં બે બાળકોને સંગીત શીખવવાનું કામ મળ્યું.

આપણો આ ગાયક બાળપણમાં નિયમિતપણે એક મંદિરે જતો. એ ફરીથી તે જ મંદિરમાં દર્શનાર્થે ગયો અને પૂજારી તેને ઓળખી ગયા. તેમણે દર શનિવારે રાત્રે મંદિરમાં ભજન ગાવા આવવાની વિનંતી કરી. આ રીતે મંદિરમાં ભજન ગાવાનું શરૂ થયું. એક દિવસ એક મ્યુઝિક કંપનીના માલિકી મંદિરમાં તેમનું ગાયન સાંભળ્યું અને તેને ઓળખી જઈને ભજનના આલ્બમ માટે ગાવાનું કામ સોંપ્યું.

જીવનમાં ફરીથી એક વખત ખ્યાતિ વધવા માંડી, પણ આ વખતે તેણે કોનો સંગ કરવો એ વિશે તકેદારી લેવાનું શરૂ કર્યું. ભજન અને સ્તોત્રો ગાઈને તેના મગજમાં શાંતિ છવાઈ ગઈ હતી. આ વખતે તેની સંપત્તિ ભૌતિકવાદી, નહીં પણ યોગિક સંપત્તિ હતી.

તમે ઉક્ત સંહિતા અને આ વાર્તા વાંચી લીધા બાદ મારે વધુ કંઈ કહેવા જેવું રહે છે ખરું?

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)